Top
Connect Gujarat

ભરૂચ જિલ્લામાં NCPનું બાળ મરણ, ડી.સી.સોલંકીએ પક્ષને કહ્યુ અલવિદા

ભરૂચ જિલ્લામાં  NCPનું બાળ મરણ, ડી.સી.સોલંકીએ પક્ષને કહ્યુ અલવિદા
X

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP )નો મજબૂત પાયો નાખનાર કામદાર નેતા ડી.સી. સોલંકીએ પક્ષને અલવિદા કહ્યું છે. જેની સાથે જ NCPનું બાળ મરણ થયું હોવાનું કહેવાય છે. ઉપરાંત રાજ્યની કોરકમિટીનાં સભ્યોએ પણ પોતાના પદ પરથી રાજીનામા ધરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ પોતાના હજારો ટેકેદારોની ઈચ્છાને માન આપી ભરૂચ જિલ્લાનાં NCPનાં પ્રમુખ ડી.સી. સોલંકીએ ભરૂચ જિલ્લા NCPને છોડી પાર્ટીનું પાટીયું ઉતારી લીધું છે.

NCPના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ભાજપની નીતિરીતિ થી ત્રાસેલી પ્રજાને ત્રીજો વિકલ્પ મળે તે હેતુ થી ભરૂચ જિલ્લામાં NCPની સ્થાપના કરી ડી.સી. સોલંકી અને તેમના હજારો ટેકેદારોએ પાર્ટીને આગળ ધપાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, અને પાર્ટીનો પાયો મજબૂત કરેલો. પરંતુ તાજેતરમાં રાજ્યસભાની થયેલી ચૂંટણીમાં NCPનાં માત્ર બે ધારાસભ્યો છે, તેમણે ભાજપ સાથે પાછલા બારણે સાઠગાંઠ કરી ભાજપનાં ઉમેદવારને મત આપેલા અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપની બી ટીમ તરીકે કામ કરી પાર્ટીનાં કાર્યકરોનો ભાજપને જીતાડવા ઉપયોગ કરવાનો કારસો ખુલ્લો પડી ગયો હોય જે બાબત થી સતર્કતા દાખવીને ભરૂચ જિલ્લા NCPએ પાર્ટીને બાય બાય કરી પાટીયું પાડી દીધું છે.હવે ડી.સી. સોલંકી તેમના હજારો કાર્યકરો સાથે આગળની શું રણનીતિ નક્કી કરે છે, તેની ઉપર જિલ્લાની પ્રજાની મીટ મંડાય છે.

અત્રે નોંધવું ઘટે કે રાજ્યસભામાં ભાજપ દ્વારા જોડતોડની નીતિ બાદ પણ કોંગ્રેસનાં અહમદ પટેલનો વિજય થયો હતો, અને આ ઘટનામાં પણ અહમદ પટેલની ચાણક્ય નીતિ કામ કરી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે NCPનાં ગુજરાતની કોરકમિટીના તમામ સભ્યોએ પણ અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધીને પોતાના પદ પરથી રાજીનામા પાર્ટીને ધરી દેતા રાજ્યમાં રાજ્યકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. વધુમાં હવે રાજ્યમાં NCPમાં ઉમરેઠના ધારાસભ્ય જયંત બોસ્કી જ એકજ માત્ર હોદ્દેદાર રહ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

Next Story
Share it