Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જીએનએફસીનો નીમ પ્રોજેકટ બે એમડીની લડાઇમાં પડી ભાંગ્યો  

ભરૂચ : જીએનએફસીનો નીમ પ્રોજેકટ બે એમડીની લડાઇમાં પડી ભાંગ્યો  
X

ભરૂચની ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીના બે એમડીના અહમના ટકરાવ અને લડાઇમાં ટીડીઆઇ પ્લાન્ટ અને નીમ પ્રોજેકટ પડી ભાંગ્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ ખુદ ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે કર્યો છે. ગુરૂવારના રોજ જીએનએફસી કંપનીની વાર્ષિક સાધારણ સભામાં ધારાસભ્યની રજૂઆત અને આક્ષેપોના પગલે સભા તોફાની બની હતી.

રાસાયણિક ખાતર તથા અન્ય કેમિકલના ક્ષેત્રમાં અગ્રણી ગણાતી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એટલે કે જીએનએફસી કંપનીની 43મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. કંપનીના એમડીની અધ્યક્ષતામાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે કંપનીના બે એમડી ઉપર જ ગંભીર આક્ષેપો કરતાં વાતાવરણ ગરમાયું છે. ધારાસભ્ય દુષ્યંત પટેલે કનેકટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, જીએનએફસી કંપનીએ તાજેતરમાં 267 કર્મચારીઓની નવી નિમણુંક જુની પધ્ધતિથી કરી છે પણ તેમને લાભો નવી પધ્ધતિથી અપાઇ રહયાં છે. હવે આ કર્મચારીઓ પોતે છેતરાયા હોવાનો અનુભવ કરી રહયાં છે. બીજી તરફ જીએનએફસી કંપનીને નીમ પ્રોજેકટથી વિશ્વભરમાં નામના મળી છે પણ કંપનીના બે એમડી ગુપ્તા અને ડાભોરની લડાઇમાં નીમ પ્રોજેકટ પડી ભાંગ્યો છે. આજે પણ 11 લાખ કરતાં વધારે નીમ સાબુ ઉપરાંત અન્ય સામગ્રી વેચાયા વિના પડી રહી છે. જયારે દહેજમાં આવેલો કંપનીનો ટીડીઆઇ પ્લાન્ટ પણ ખોટમાં જઇ રહયો છે. આમ સરકારી સાહસ ગણાતી જીએનએફસી કંપની સામે ખુદ ભાજપના ધારાસભ્ય જ મેદાને પડતાં આગામી દિવસોમાં આ મુદો ગરમાય તેવી શકયતાઓ રહેલી છે.

Next Story