ભરૂચ : દહેજમાં સ્ટ્રીટ લાઈટની રીપેરીંગ વેળા વીજ કરંટ લાગવાની ઘટનામાં ૧નું મોત, ૩ને ઇજા

દહેજ ABG કંપનીના ગેટ પાસે સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવા ગયેલ પિકપ વાનમાં વીજ કરંટ ઉતર્યો હતો. જે વીજ કરંટ લાગવાની ઘટનામાં ૪ વ્યક્તિઓને કરંટ લાગતા ૩ લોકોની ગંભીર હાલત તેમજ ૧નું મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે જાગેશ્વર ગામે આવેલ ABG કંપનીના ગેટ નજીક ઈલેક્ટ્રીક સ્ટ્રીટ લાઈટની મરામત કરવા ગયેલા ઇલેક્ટ્રિશ્યનની પિકપ વાન વીજ વાયરના સંપર્કમાં આવતા વીજ કરંટ પિકપ વાનમાં ઉતર્યો હતો, જેના કારણે વાહનની અંદર સવાર માલીવાડ નિલેશ, ડામોર શૈલેષ, ડામોર અંકિત, કાંતિ પરમારને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. સમગ્ર ઘટનામાં પિકપ વાનના ચાલક કાંતિ પરમારને ગંભીર રીતે વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જ્યારે અન્ય ૪ લોકોને વીજ કરંટની અસર જણાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.