Connect Gujarat

ભરૂચ : નગરપાલિકા દ્વારા બાકી પડતાં વેરાની 6 લાખ રૂપિયાની વસુલાત

ભરૂચ : નગરપાલિકા દ્વારા બાકી પડતાં વેરાની 6 લાખ રૂપિયાની વસુલાત
X

માર્ચના અંતિમ દિવસોમાં નગરપાલિકાના બાકી પડતા વેરાની વસુલાત માટે પાલિકા તંત્રએ કવાયત હાથ ધરી છે. ત્રણ ટીમ બનાવી વિવિધ સોસાયટી અને કોમર્શીયલ કોમ્પલેક્ષોમાં વેરા વસુલાતની કામગીરી શરૂ કરતા લોકોમાં દોડધામ મચી હતી. સાંજ સુધીમાં અંદાજે ૬ લાખ જેટલા વેરાની વસુલાત થઈ હતી. જ્યારે સુપરમાર્કેટમાં બે દુકાનોને સીલ કરાઈ હતી. માર્ચ મહિના દરમિયાન ભરૂચ નગર પાલિકામાં હાઉસ ટેક્ષ સહિતના વેરાઓની અંદાજે પાંચ કરોડ જેટલી બાકી બોલતી હતી. જેની વસુલાત માટે નગરપાલિકાએ કમર કસી છે.

અનેક વખતની જાહેરાતો બાદ પણ લોકોએ ટેક્ષ ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આખરે પાલિકા તંત્રએ તીખા તેવર અપનાવ્યા છે. નગરપાલિકાએ ૧૫ જેટલા કર્મચારીઓની ત્રણ ટીમ બનાવી ડોર-ટુ-ડોર વેરા ઉઘરાણીની કામગીરી શરૂ કરી છે. જેમાં એક તબક્કે લોકોમાં ફફડાટ ઉભો થયો હતો. મુખ્ય અધિકારી સંજય સોની, ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ રાજુ તડવી અને સલીમ દરોગા સહિતના અધિકારીઓની ટીમે પટેલ સુપર માર્કેટમાં વેરા ઉઘરાણીમાં જોડાયા હતા. જેના પગલે અનેક દુકાનદારોએ સ્થળ ઉપર જ બાકી પડતા વેરાના ચેક અને રોકડ રકમની ભરપાઈ કરી હતી.

સાંજ સુધીમાં પાલિકાની ત્રણેય ટીમોએ અંદાજે રૂા.૬લાખ રૂપિયાની આજુબાજુના વેરાની વસુલાત કરી હતી. જ્યારે સુપરમાર્કેટની બે દુકાનોને વેરાની ભરપાઈ ન કરતાં સીલ મારી દેવાયા હતા.

Next Story
Share it