ભરૂચ : પાલિકાની વોર્ડ ઓફિસમાં કોંગ્રેસની જનતા રેડ, ફોગિંગ મશીન મળ્યાં બંધ હાલતમાં

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લીધો હોવા છતાં પાલિકા તંત્ર નિંદ્રાધીન હોય તેમ લાગી રહયું છે. ફાટા તળાવ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ હોવા છતાં કોઇ પગલાં ભરાતા ન હોવાની ફરીયાદ બાદ કોંગ્રેસે વોર્ડ ઓફિસમાં જનતા રેડ કરતાં મોટા ભાગના ફોગિંગ મશીન બંધ હાલતમાં મળ્યાં.
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ડેન્ગયુ સહિતની બિમારીઓથી પીડાતાં લોકોની
સંખ્યામાં વધારો થઇ રહયો છે. મચ્છરોના વધી રહેલા ઉપદ્વવ સામે પાલિકાતંત્ર અસરકારક
કામગીરી કરતું નહિ હોવાથી રોગચાળો દર્દીઓનો ભોગ લઇ રહયો છે. અને તેમાં પણ વાત
કરવામાં આવે ફાટા તળાવ વિસ્તારની તો ઠેર ઠેર ગંદકી ફેલાયેલી છે અને ઉભરાતી અને
ખુલ્લી ગટરો મચ્છરોનું આશ્રય સ્થાન બની ગયા છે. રોગચાળાને ડામવામાં પાલિકા નિષ્ફળ
હોવાની ફરિયાદો બાદ કોંગ્રેસના આગેવાનોએ ફાટા તળાવ વિસ્તારમાં આવેલી પાલિકાની
વોર્ડ ઓફિસમાં જનતા રેડ કરી હતી. જેમાં ૭ પૈકી ૪ ફોગીંગ મશીન બગડેલા હોવાનું બહાર
આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ હોબાળો મચાવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મેલેરિયા
વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. આ તરફ
સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યા હતા કે તેઓના વિસ્તારમાં ગંદકી અને મરછરનું સામ્રાજ્ય
હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.