ભરૂચ : વિદ્યાર્થીઓ પાસેથી ફી નહિ લેવાના નિર્ણયનો વિરોધ, સ્વનિર્ભર શાળાઓ બંધ કરશે ઓનલાઇન શિક્ષણ

0

રાજય સરકારે વિદ્યાર્થીઓ પાસેથી ફી નહિ લેવા બાબતે કરેલા નિર્ણયના સ્વનિર્ભર શાળા સંચાલકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી શાળાઓ બંધ હોવાની વિકટ સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ આપી રહેલાં સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ ગુરૂવારના રોજથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી માર્ચ મહિનાથી શાળાઓ તેમજ કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. શાળાઓ બંધ થઇ જતાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું હતું. આવા વિકટ સંજોગોમાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણનો અમલ શરૂ કર્યો હતો. શાળાઓમાં ભલે વિદ્યાર્થીઓ હાજર ન હોય પરંતુ શિક્ષકો શાળામાં જઇને શિક્ષણકાર્ય કરાવતાં હતાં અને તેનું વિવિધ પ્રસાર અને પ્રચાર માધ્યમો પર પ્રસારણ કરી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતાં હતાં.  શાળાઓ અને શિક્ષકોના આ ભગીરથ કાર્યથી શિક્ષણકાર્ય પર બ્રેક વાગી ન હતી. 

રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારના રોજ શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી નહિ વસુલે શકે તેમ જણાવ્યું છે. સરકારના આ નિર્ણયના સ્વનિર્ભર શાળાઓના સંચાલકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. શાળા સંચાલકો સ્વખર્ચે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ ઉપલબ્ધ કરાવી રહયાં છે. આ ઉપરાંત શિક્ષકો તેમજ અન્ય સ્ટાફને પગાર ચુકવી રહયાં છે. આર્થિક ભારણ નીચે દબાયેલા શાળા સંચાલકોએ શાળાઓ ચાલુ રાખવી હોય તો ફી લેવી જરૂરી છે. આવામાં સરકારના નિર્ણયના કારણે શાળા સંચાલકોની હાલત કફોડી બની છે. સ્વનિર્ભર શાળાા સંચાલક મંડળ -ગુજરાતે પણ ગુરૂવારથી તમામ સ્વનિર્ભર શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. મંડળના હોદેદારોએ જણાવ્યું હતું કે, દેશના 16થી વધુ રાજયોની હાઇકોર્ટના આદેશ છે કે, ઓનલાઇન શિક્ષણ એ પ્રર્વતમાન સમયનો વિકલ્પ છે અને તેને પુરૂ પાડનાર સ્વનિર્ભર શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાની હકદાર છે પણ ગુજરાત સરકારે લીધેલો નિર્ણય અસ્થાને છે. રાજય સરકાર આ આદેશ પાછો નહિ ખેંચે ત્યાં સુધી શાળઓમાં તમામ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિઓ અને વહીવટી કામગીરી ગુરૂવારથી અચોકકસ મુદત માટે બંધ કરી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here