કોહલીએ કહ્યું, શમી ટીમમાં સામેલ થવા માટે ઉત્સુક છે

રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ફાસ્ટર બોલર ભુવનેશ્વર કુમારના સ્નાયુ ખેંચાયા પછી મેચમાંથી બહાર થઈ ગયો હતો. મેચ પછી કેપ્ટન વિરાટ કોહલીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ભુવનેશ્વર આગામી 2-3 મેચ ઈન્જરીના કારણે નહીં રમી શકે.હવે ભુવી ટીમમાંથી બહાર થઈ જતાં શમીને ટીમમાં સ્થાન મળી શકે છે.

ભુવનેશ્વરની ઈજાની ગંભીરતા એ વાતથી મેળવી શકાય છે કે, તે તેની ત્રીજી ઓવર પણ પૂરી નહતો કરી શક્યો અને બે બોલ નાખીને મેદાનમાંથી બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ વિજય શંકરે ઓવરના બાકીના બોલ નાખ્યા હતા.

મેચ પછી કોહલીએ કહ્યું કે, ભુવનેશ્વર બોલિંગ વખતે એક ફૂટમાર્ક પર લપસી ગયા હતા. તેઓ બેથી ત્રણ મેચ રમી શકશે નહીં પરંતુ તેઓ આ ટૂર્નામેન્ટ દરમિયાન કોઈ પણ સમયે ટીમમાં પાછા જોડાઈ જશે. તે અમારા માટે ખૂબ મહત્વના બોલર છે. કોહલીએ કહ્યું કે, શમી ટીમમાં જગ્યા મેળવવા માટે ખૂબ ઉત્સુક છે. ભારતની આગામી ત્રણ મેચ અફઘાનિસ્તાન સામે (22 જૂન), વેસ્ટઈન્ડિઝ સામે (27 જૂન) અને ઈંગ્લેન્ડ સામે (30 જૂન)ના રોજ છે. આ સંજોગોમાં ટીમ ઈન્ડિયા માટે આ બીજુ મોટું નુકસાન છે.

અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બેટિંગ સમયે હાથમાં બોલ વાગતાં શિખર ધવનનો અંગૂઠો ફ્રેક્ચર થઈ ગયો હતો. જે બાદ તેને પણ 2-3 મેચમાંથી આરામ આપી દેવામાં આવ્યો હતો. અને હવે ભારતના સ્ટાર બોલર ભુવીને પણ 2-3 મેચનો આરામ આપી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY