Connect Gujarat
ગુજરાત

ભેરસમ ગામે ઈમામી પેપર મિલ્સ કંપનીની લોક સુનાવણીમાં સ્થાનિક લોકોની ઉગ્ર રજૂઆત: કંપની સત્તાધીશો અસમંજસમાં !

ભેરસમ ગામે ઈમામી પેપર મિલ્સ કંપનીની લોક સુનાવણીમાં સ્થાનિક લોકોની ઉગ્ર રજૂઆત: કંપની સત્તાધીશો અસમંજસમાં !
X

પબ્લિક હિયરિંગમાં સ્થાનિક બેરોજગારી તેમજ પ્રદુષણ અને પીવાના શુદ્ધ પાણીનો મુદ્દો છવાયો

વાગરા તાલુકાના ભેરસમ ગામે આવેલ સાયખા ઓદ્યોગિક વસાહત ખાતે જી.પી.સી.બી દ્વારા ડેપ્યુટી કલેકટર તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીની અધ્યક્ષતામાં ઈમામી પેપર મિલ્સ કંપનીના નવા સ્થપાનાર યુનિટ માટે લોક સુનાવણી યોજવામાં આવી હતી.જેમાં કંપની આસ પાસના ૩૨ જેટલા ગામોમાંથી પધારેલા અનેક લોકોએ વિવિધ સમસ્યા મુદ્દે રજૂઆતોનો મારો ચલાવ્યો હતો.

જેને કારણે ઇમામી કંપનીના સંચાલકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.ભેરસમ ગામના ચીમનભાઈ પટેલે રજુઆત કરતા જણાવ્યું હતું કે કંપનીની સ્થાપના બાદ જયારે કમ્પાઉન્ડ વોલ લાગી જાય ત્યારે ઉદ્યોગની આસપાસના ગામોના લોકોનો કંપની પ્રવેશ મુશ્કેલ બની જતો હોય છે.લેન્ડ લુજર્સ દ્વારા જમીન ગુમાવ્યા બાદ આજીવિકા મુશ્કેલ બની જાય છે.

ત્યારે કંપની જમીન ગુમાવનારાઓને રોજી રોજગારમાં અગ્રતા આપે તેવી વિનંતી કરી હતી.આ પ્રસંગે ભરૂચ જીલ્લા પંચાયતના સભ્ય મહેન્દ્ર સિંહ રાજે પોતાનો મત રજૂ કરતા જણાવ્યુ હતુ કે સતત બે વર્ષથી યોજાતી અનેક લોક સુનાવણીમાં જી.આઈ.ડી.સી અંગે રજુઆતો કરવામાં આવી છે.પરંતુ કલમ ૪ નું જાહેરનામુ ખસેડવામાં ન આવતા સાયખા ગામના ખેડૂતો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા છે.કલમ-૪૮ સંદર્ભે જી.આઈ.ડી.સી.એ કાર્યવાહી કરવાની હોય છે.પરંતુ તે આ બાબતે આનાકાની કરતી હોવાનો આક્ષેપ પણ મહેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો.

ભેરસમ ગામના જાગૃત યુવક મોહિત પટેલે કંપની સમક્ષ ગ્રામજનોની સુવિધા અર્થે પીવાના સુદ્ધ પાણી માટે આર.ઓ ની વ્યવસ્થા પુરી પાડવામાં આવે ઉપરાંત ભેરસમ પંથકમાં વસવાટ કરતા રાષ્ટ્રીય પક્ષી મોરની સલામતી અને સંરક્ષણ માટે ઉદ્યાન બનાવવા અંગે રજૂઆત કરાઈ હતી. અરગામાં ગામના સરપંચ ઐયુબ પટેલે રજૂઆત કરી હતી કે જી.આઈ.ડી.સી દ્વારા વર્ષો અગાઉ સંપાદિત કરેલ જમીનના પૈસાનું ચુકવણું ખેડૂતોએ આત્મ હત્યાની ચીમકી આપવા છતાયે હજુ સુધી કરવામાં આવ્યું નથી.

જો કે વિલાયત ગામના સરપંચે કંપનીઓ દ્વારા સી.એસ.આર.ફંડની ફાળવણી વખતે સ્થાનિક સરપંચોને તેમજ અગ્રણીઓને વિશ્વાસમાં લેવા જોઈએ તેવું સૂચન કર્યું હતુ.અત્રે ઉલ્લખનીય છે કે દિન પ્રતિદિન નવી સ્થપાઈ રહેલ કંપનીઓને પરવાનગી આપતા પહેલા પંથકના સ્થાનિક લોકોની લાગણી તેમજ સમસ્યા અંગે પૂરતું ધ્યાન આપ્યા બાદ જ સંબંધિત તંત્ર દ્વારા ઉદ્યોગને લીલી ઝંડી અપાય તેનું ખાસ ધ્યાન રાખવુ હિતાવહ છે.તેવી લાગણી અને માંગણી વાગરા તાલુકાની જાગૃત પ્રજામાંથી ઉઠવા પામી છે.

લોક સુનાવણી માં ભેરસમ ગામની આસપાસના અનેક ગામોના આગેવાનો,રાજકીય અગ્રણીઓ સરપંચો સહીત અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દહેજની કંપનીઓના પ્રદૂષણથી ભગવાન પણ ત્રસ્ત છે: ચંદ્રકાન્ત પટેલ (વિલાયત ગામ અગ્રણી)

ભેરસમ ખાતે સ્થપાનાર ઇમામી પેપરની લોકસુનાવણીમા આક્રોશ સાથે પોતાનો અભિપ્રાય આપતા વિલાયતના અગ્રણી ચંદ્રકાંત પટેલે કહ્યુ હતું કે કંપની દ્વારા સ્થાપના સમયે રજુ કરેલ મુદ્દા કંપની શરૂ થતા જ વિસરાઈ જતા હોય છે.ત્યારે જી.પી.સી.બી ને રજુઆતો કરાતા જી.પી.સી.બી પણ નાગરિકોની ફરિયાદો પ્રત્યે આંખ આડા કાન કરતી હોય છે.

વધુમાં તેઓએ લખીગામનો દાખલો ટાંકીને ઉમેર્યું હતું કે લખીગામના લખાબાવાના મંદિરમાં બીરાજમાન ભગવાન પણ દહેજની કંપનીઓ થકી ઓકવામાં આવતા કોલસીના પ્રદુષણથી ત્રાસી ગયા છે. ત્યારે સામાન્ય જનતાની કેવી હાલત હશે? એ એક યક્ષ પ્રશ્ન છે.તેઓએ જણાવ્યું હતું કે વિલાયત ઓદ્યોગિક વસાહતની વિવિધ કંપનીઓ દ્વારા ભૂખી ખાડીમાં કેમિકલ છોડીને જળ પ્રદુષણ ફેલાવવામાં આવી રહેતું છે તેને તાત્કાલિક અટકાવવા અરજ કરી હતી.

  • સ્થાનિક બેરોજગારોને ૮૦ ટકા રોજગારી તેમજ પ્રદુષણ નિવારણની લેખિત ગેરન્ટી આપો : કમરૂજજમાં પટેલ (પ્રમુખ-વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ)

ઇમામી પેપર મિલસની લોકસુનાવણી ટાણે સ્થાનિક બેરોજગારો તેમજ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવી વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમરુજજમાં પટેલે કંપનીને આડે હાથે લેતા સ્થાનિક શિક્ષિત બેરોજગારોને રોજગારીમાં ૮૦ ટકાના સરકારના નિયમ અનુસાર નોકરી આપવામાં આવે તદઉપરાંત કંપનીઓ દ્વારા પ્રદુષણને નિવારવા અંગે તમામ પ્રકારના પગલાં ભરવામાં આવશે તેવી લેખિત માંગ કંપની સમક્ષ મુકતા લોકસુનાવણી સ્થળે સોપો પડી ગયો હતો.

વધુમાં તેઓએ GIDC સમક્ષ પીવાના શુદ્ધ પાણી અંગે વ્યવસ્થા પુરી પાડવામાં આવે અન્યથા જી.આઈ.ડી.સી.ની તમામ કાર્યવાહીને અટકાવી દેવાની ખુલ્લી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Next Story
Share it