Connect Gujarat

ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ગરીબીના મુદ્દા રાજનેતાઓ માટે પ્રજાલક્ષી કે સત્તા લક્ષી

ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ગરીબીના મુદ્દા રાજનેતાઓ માટે પ્રજાલક્ષી કે સત્તા લક્ષી
X

દેશમાં 68માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ દેખાય રહ્યો છે, અને ગર્વ થી લોકો આ પર્વની ઉજવણી દેશભક્તિના રંગે રંગાઈને કરશે. અને એક દિવસનો દેશપ્રેમ ત્યારબાદ હતા ત્યાંના ત્યાં.

વિદેશોની ઝાકમઝોળની હંમેશ વાતો થતી રહે છે.રસ્તા પર થુંકવાથી માંડીને ગાડીને ગમેતેમ હંકારવી પણ ગુનો બને છે અને અચૂક દંડ તો ભરવોજ પડે. ઠીક છે ત્યાંના નીતિનિયમો પ્રમાણે લોકો પણ સરકારી આદેશોનું પાલન કરે છે. પરંતુ બીજી વાસ્તવિકતા એ છે કે આપણે આ બધી વાતો થી વાકેફ તો છીએ પણ તેનું પાલન આપણા દેશમાં કરવા નથી ઇચ્છતા.

ચૂંટણીનો સમય છે પાંચ રાજ્યોમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આઝાદીના 70 વર્ષો બાદ પણ રાજનેતાઓ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ગરબીના મુદ્દા આગળ ધરીને વોટ માંગી રહ્યા છે. પરંતુ કોઈ નક્કર ઠોસ મુદ્દો લઈને લોકોની સમક્ષ નથી જતા, જ્યારે મફત પેટ્રોલ, અનાજ, લાઈટ જેવી લોભામણી સ્કીમો થકી પણ મતદારોને ગુમરાહ કરી રહ્યા છે અને લોકો ભરમાય પણ જાય છે. જાતિવાદને પણ આગળ ધરીને નેતાઓ સત્તાના સુકાન સુધી પહોંચી જાય છે.

આમા માત્ર રાજનેતાઓનો દોષ નથી પરંતુ દેશદાઝની પણ કમી છે. કારણકે વિદેશનીતિને આપણે સ્વીકારીએ છે પણ આપણા નીતિનિયમોનું શું? સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન, શૌચાલય જેવા મુદ્દાઓને લઈને આઝાદીના 70 વર્ષોએ પણ જાહેરાતો કરીને લોકોને સમજાવવા પડે છે ત્યારે તેમાં પણ વિરોધની રાજનીતિનું સ્વરૂપ જોવા મળે છે.

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિતે આન બાન શાન ના પ્રતીક સમા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપીને રાષ્ટ્ર વંદના, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતોનું ગાન, સહિતના વિવિધ કાર્યક્રમો થકી રાષ્ટ્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. પરંતુ આ માત્ર એકદિવસ પુરતીજ દેશ ભક્તિ નજરે પડે છે કારણે કે ગુટખા ખાઈને જાહેરમાં થુંકી ને પોતાને સુલતાન સમજતા વીરો સફાઈ અર્થે 10 રૂપિયા ખર્ચવાના આવેતો લાલચોળ થઇ જતા હોય છે.

પોતાના સ્વાર્થ ખાતર ભ્રષ્ટચારને આપણે જીવન જીવવાનો એક મંત્ર બનાવી લીધો છે અને નૈતિક મૂલ્યોને નેવે મૂકી દઈને માત્ર આમા મારુ શું? એજ વિચારસરણી થી દેશ બદલવાના ફાંકા પણ મારી રહ્યા છે. નોટબંધી બાદ ધીરજ ધૈર્ય પ્રજાએ દાખવ્યુ તો ક્યાંક બેંક અધિકારીઓ તેમાં પણ કટકી કરવામાં ઝડપાયા, દરેક અવસરને તક સમજીને તકસાધુઓ પોતાની આર્થિક સધ્ધરતા વધારવાના જ પ્રયત્નો કરતા હોય છે.

દેશ ભલે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધતો જાય પરંતુ આપણે માત્ર મફતનું નેટ વાપરીને મસ્ત બની ને જ રહેવાનું બાકી દેશ ભલે બદલાય આપણે બદલાયને શું કરશું?

Next Story
Share it