• કર્મયોગી ડૉ. ધવલ પટેલના નેજા હેઠળની તબીબી સારવાર ત્રિપૂટીની ફરજ પરસ્તી.
  • ૩૫ થી ૪૦ ટકા દાઝી ગયેલી દિકરીને ઘેરબેઠા સઘન સારવાર મળવાને લીધે ધો- ૬ ના અભ્યાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ જયશ્રીની આગેકૂચ.
  • રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે જયશ્રીના જીવનમાં પાથર્યો ઉજાસ.

ફરજના સ્થળ ઉપર, ફરજના સમય દરમિયાન જ નહીં, પરંતુ માનવીય સંવેદના સાથે પોતાની ફરજને ધર્મ સમજી પોતાની અનેક વ્યસ્તતાને અવગણીને પણ એક સંવેદનશીલ અને કર્મયોગી તબીબ જ્યારે કોઇ દરદીની સારવાર કરે અને “માનવ સેવા એ જ પ્રભુ સેવા” ની ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરે ત્યારે પોતાના દર્દથી કણસતા દરદીના જીવનમાં આવા તબીબ ફરિસ્તાનું રૂપ લેતા હોય છે.

આવી જ એક ફરજ પરસ્ત રાજ્ય સેવકની ત્રિપૂટી કે જેમના દિલમાં દરદીની સારવાર માટેની સંવેદના છલોછલ ભરાયેલી છે. તેવી કર્મશીલ તબીબ ટૂકડીની અહીં વાત કરવી છે. નર્મદા જિલ્લામાં રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળના મેડીકલ ઓફિસર ડૉ. ધવલ પટેલની આ ટૂકડીની અંદાજે ૩૫ થી ૪૦ ટકા દાઝી થયેલી એક દિકરીની ઘનિષ્ઠ સાવવાર માટેની સંકલ્પબધ્ધતા આજે એ દિકરીને નવજીવન બક્ષ્યું છે અને “બેટી બચાવો – બેટી પઢાઓ” ની વાતને સાચા અર્થમાં સાર્થક કરી છે.

આ વાત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અતિ દુર્ગમ એવા ડુંગરાળ વિસ્તારના બોરીદ્રા ગામની છે. ૧૨ વર્ષીય જયશ્રીબેન રાજેશભાઇ વસાવા પોતાના ઘરમાં તાપણું કરતા આખા શરીરે દાઝી ગઇ હતી. જયશ્રીના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વડોદરાના મોટા દવાખાનાની સારવાર માટે કોઇપણ પ્રકારના અનુભવ કે જાણકારીના અભાવે સારવાર અપાવવાનું ટાળીને ભગવાન ભરોસે ઘરે બેઠા સારવાર લેવાનું મન મનાવી લીધું હતું. દિકરીની સારવારમાં જયશ્રીનો પરિવાર યોગ્ય કાળજી દાખવતાં ન હોવાનું પ્રાથમિક શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન જિલ્લાની આરોગ્ય ટીમના ધ્યાને આ કિસ્સો આવતા, આ દિકરીની છ મહિના સુધી ઘેર બેઠા ડ્રેસીંગ સહિતની તમામ પ્રકારની સારવાર અને અન્ય બાબતોની આ સરકારી તબીબે સતત કાળજી રાખતા બોરીદ્રાની જયશ્રીના જીવનમાં જિલ્લાની આરોગ્ય ટૂકડીની સમયસરની સારવારથી ઉજાસ પથરાયો છે.

ગત ડિસેમ્બર ૨૦૧૭ માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બોરીદ્રા ગામની પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન મોબાઇલ આરોગ્ય ટૂકડીનાં શાળાના શિક્ષક સાથેના સંવાદમાં ધો- ૫ માં અભ્યાસ કરતી જયશ્રી રાજેશભાઇ વસાવાની લગભગ એક મહિના જેટલી લાંબી ગેરહાજરી જણાઇ આવી હતી, જેથી RBSK ટીમના સભ્ય ડૉ. ધવલ પટેલના નેજા હેઠળ ડૉ. અવની રજાત અને નર્સ તરીકે સેવા આપનાર દિપાબેન વસાવાની ટૂકડીએ જયશ્રીના ઘરની મુલાકાત લીધી હતી, જેમાં જયશ્રી તાપણું કરતા ચૂલા પાસે જ સૂઇ ગઇ હતી અને તે દરમિયાન જયશ્રીના પહેરેલા કપડાનો એક ભાગ સળગવાનું ચાલુ થયુ અને છેલ્લે જયશ્રીનું આખુ શરીર આગની લપેટમાં આવી જવાથી ગંભીર રીતે તે દાઝી ગઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી.

જયશ્રીના પિતાએ રાજપીપલા સરકારી દવાખાને લઇ જતા તુરત જ તેને પ્રાથમિક સારવાર અપાઇ હતી. પરંતુ જયશ્રી વધુ પડતી દાઝી ગઇ હોવાના લીધે તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં સત્વરે દાખલ કરવાની તાતી જરૂરિયાત અને તેની ગંભીરતા વિશે જયશ્રીના પરિવારને સમજ અપાઇ હતી.

રાજપીપલા સરકારી દવાખાનાની વધુ સારવાર માટે સલાહ અપાઇ હોવા છતાં, જયશ્રીના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને લીધે અને વડોદરાના મોટા દવાખાનાની સારવાર માટે કોઇપણ પ્રકારનો અનુભવ કે જાણકારી ન હોવાના લીધે જયશ્રીના પિતાએ રાજપીપલાના સરકારી દવાખાનાની ઉક્ત સલાહને અવગણી હતી અને રાજેશભાઇએ તેમની દિકરીને ઘરે જે થવાનું હશે તે થશે, તેમ વિચારીને ભગવાન ભરોસે તેમના ઘરે બોરીદ્રા પરત ફર્યા હતાં અને ઘરમાં છાણ તેમજ જ દેશી દવાનો ભેગી કરેલો લેપ લગાડવાનું ચાલુ કર્યું હતું.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય ટૂકડીના ધ્યાન પર ઉક્ત બાબત આવતાં, આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઇને જયશ્રીના પરિવારને પુરતી સમજ આપવા છતાં સારવાર માટે જિલ્લાની આ આરોગ્ય ટૂકડી સાથે રાજપીપલા સરકારી દવાખાનામાં આવવા સંમત થયા ન હતા. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્યની આ આરોગ્ય ટૂકડી દ્વારા છેવટે બોરીદ્રા ગામથી પરત ફરીને તુરત જયશ્રીની આ તકલીફ વિશે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના વરિષ્ઠ તબીબોને વાકેફ કરાતાં જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમની પ્રેરણા અને માર્ગદર્શન તેમજ રાજપીપલા સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક ડૉ. શ્રેયસ શાહની દોરવણી હેઠળ જયશ્રીને તેના ઘરે જ જઇને સારવાર પુરી પાડવાનો નિર્ણય લીધો.

ડૉ. ધવલ પટેલની આ સારવાર ટૂકડીએ જયશ્રીના ઘરે જ્યારે સારવારની શરૂઆત કરી ત્યારે દાઝેલા ભાગ ઉપર છાણ-દેશી દવાનો તેમના પરિવાર તરફથી જે ઉપચાર કરતાં હતાં તે પડ સુકાઇને એકદમ કડક થઇ ગયું હતું. આ પડને સાફ કરીને નિકાળતાં જ તેમને ચારેક કલાક લાગ્યાં હતાં.

ત્યારબાદ જિલ્લાની આ આરોગ્ય ટૂકડીએ તા.૨૦ મી ડિસેમ્બર, ૨૦૧૭ થી તા. ૨૫ મે, ૨૦૧૮ ના આશરે છ માસના સમયગાળા દરમિયાન દર એકાંતરા દિવસે જયશ્રીના ઘરે ડ્રેસીંગની સઘન સારવાર પુરી પાડવાની સાથે યોગ્ય આહાર અને સ્વચ્છતા, શિક્ષણ, દવાઓ વગેરે અંગે જરૂરી સમજણ આપી હતી. ડૉ. ધવલ પટેલે પોતાના ખર્ચે જયશ્રીની આ સારવાર દરમિયાન અવારનવાર ફ્રુટસ અને પ્રોટીનયુક્ત આહારની સહાય પૂરી પાડી છે. આમ,માનવીય સંવેદના અને હુંફ સાથે ડૉ. ધવલ પટેલની સારવારથી જયશ્રીએ નવજીવન પ્રાપ્ત કર્યું છે.

આમ, રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આરોગ્ય જિલ્લાની ટૂકડીની આ અથાગ મહેનતના ફળ સ્વરૂપે બોરીદ્રાની આ દિકરી આજે સાજી થવાની સાથે સ્વસ્થ બની છે અને ધો- ૬ ના અભ્યાસ સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. પોતાની દિકરીના સ્વાસ્થ્યમાં આવેલ અવિશ્વસનીય સુધારા માટે જયશ્રીના પિતા રાજેશભાઇ વસાવા આજે હર્ષના આંસુ સાથે ગદગદિત થઇ સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અસરકારક અમલની સાથોસાથ પોતાની દિકરીની સારવારમાં દાખવેલી સંવેદના અને માનવીય અભિગમ બદલ ડૉ. ધવલ પટેલ, ડૉ. અવની રજાત, નર્સ દિપાબેન વસાવા સહિત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ઉપરાંત રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી ઋણ સ્વીકાર કરતાં કહે છે કે, સરકારના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમે મારી દિકરીના જીવનમાં ઉજાસ પાથર્યો છે. આમ, આ કિસ્સાએ સરકારની “બેટી બચાવો – બેટી પઢાઓ” ની વાતને સાચા અર્થમાં સાર્થક કરી છે.

LEAVE A REPLY