હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’  ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

આદિકાળથી આજસુધી ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં લોકપર્વોનું ખૂબ જ મહત્ત્વ તેમ જ અનેરું, અનોખું મૂલ્ય રહ્યું છે. જે સમયમાં આનંદ-પ્રમોદ યા મનોરંજનની ખાસ કોઈ સામગ્રી કે સુવિધા નહોતી એવા કાળે પ્રકૃતિ તથા કૃષિજીવન-સમાજજીવન સાથે સંકળાયેલાં આપણાં લોકપર્વો ‘ઘડી જીવનમાં ઘડી એક સુખની’ સાથે જીવનઅમૃત સંજીવની અર્પનારાં, સૂકા વેરાનમાં મીઠી વીરડીસમાં બની રહ્યાં. રોજિંદા કામોની ઘટમાળમાંથી થાક ઉતારનારા જીવનને આનંદ-ઉલ્લાસ તથા શ્રદ્ધા-ભક્તિથી ભરી દેનારા, જીવનને વૈવિધ્યસભર બનાવનારાં આ લોકપર્વો-તહેવારો-મેળાઓ મળ્યાં ન હોત તો માનવજીવન કેવું કૃત્રિમ-નીરસ-એકવિધ બની જાત! એટલે તો માનવજીવનને નૈસર્ગિક આનંદ-ઉલ્લાસ-તાજગીથી ‘રિચાર્જ’ (નવપલ્લવિત) કરનારાં આ લોકપર્વો માનવજીવન માટે અતિ આવશ્યક તેમ ઉપકારક બની રહે છે.

હોળી-ધુળેટીના આ પર્વની અસલ ભાવના અને એનો અસલ આનંદ આજે વીસરાતા જાય છે. ભૌતિક અને ધમાલિયા જીવનમાં આ પર્વ આજે કેવળ યાંત્રિક રીતે ઊજવાય છે. આમ છતાં આજના સમય સંદર્ભે નવી પેઢીમાં આ પર્વ ઊજવાય છે, એ આશ્વાસક ઘટના છે, કારણ કે આ પર્વ આપણી સાંસ્કૃતિક-સામાજિક પરંપરાનું પાવન પર્વ છે. રંગોથી સભર વસંતઋતુનું સંદેશવાહક છે. સર્વદેશીય-બિનસાંપ્રદાયિક સમરસતાનું પર્વ છે, એટલે કોઈ પણ દેશ-કાળમાં ભારતીય પ્રજા એની પોતપોતાની રીતે ઉજવણી કરી, વીસરાતી જતી આ વિરાસતને ટકાવી, સાચવી રહી છે.

અંતમાં, હોળી-ધુળેટીનો ઉત્સવ કેવળ હોળીદહનની કે રંગ છાંટવાની સ્થૂળ-બાહ્ય પરંપરિત પ્રક્રિયાનો, બાહ્ય આનંદ માટેનો ઉત્સવ ન બની રહેતાં, દુર્વિકારો-દુરાચારોનું દહન કરી, માનવપ્રેમ અને માનવમૂલ્યોના રંગે રંગાઈ જવાનું જીવનઉત્કર્ષ પર્વ પણ બની રહે એવી અપેક્ષાસહ આજના આ પ્રેરક-પાવન પર્વે, હાર્દિક શુભેચ્છાઓ પરસ્પરને પાઠવીએ.

અમારા માનવંતા દર્શકો,વાંચકોને “કનેકટ ગુજરાત’ પરિવારની હોળી-ધુળેટીની શુભકામનાઓ

LEAVE A REPLY