૨૦૧૯માં નવા વર્ષમાં ૧૧ દિવસમાં ૪ના મોત,અત્યાર સુધીનો મૃત્યુઆંક ૪૬.

રાજકોટ: સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધતા સ્વાઇન ફ્લૂ પણ વકર્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે. આજે સિવિલ હોસ્પિટલમાં કોટડાસાંગાણીના યુવાનનું મોત થતા ૨૦૧૯ના એટલે નવા વર્ષના પ્રથમ ૧૧ દિવસમાં કુલ ૪ લોકો સ્વાઇન ફ્લૂને પગલે મોતને ભેટ્યા છે.આ સિઝનમાં સ્વાઈન ફ્લૂના કુલ ૧૭૦ થી વધુ દર્દી નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક ૪૬નો થયો છે.

હાલ જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના કુલ ૪૦ દર્દી હતા. જેમાં ૯ મોતને ભેટયા છે. જ્યારે શહેરી વિસ્તારમાં ૫૭ કેસ સ્વાઈન ફ્લૂના હતા અને ૧૧ દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં કુલ ૧૭ થી વધુ દર્દી સારવાર હેઠળ છે. જેમા 3 થી વધુ વેન્ટિલેટર પર છે. જેના પગલે તંત્ર આ રોગ અંગે જગૃતિ લાવવા કવાયત કરી રહ્યું છે.

બીજી તરફ તાવ, શરદી, ઉધરસ જેવા રોગની આંકડાકીય માહિતી કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ છૂપાવી રહ્યો છે અને ચોપડે સબ સલામતના આંકડા માડી રહ્યા છે. સામાન્ય તાવ, કફ, ગળામાં તકલીફ, શરીર તૂટવું, માથું દુઃખવું, ઝાડા-ઉલ્ટી વગેરે જેવી તકલીફ વધે અને બીપી લો થાય, છાતીમાં દુઃખાવો થાય, મોઢુ ખૂબ જ સુકાય, ઝાડામાં લોહી પડે તો તુરંત ડોક્ટરની યોગ્ય સલાહ લેવા આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. ઠંડીમા વધારો થતા ફ્લૂ વકરી રહ્યો છે જેને લઇ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

 

LEAVE A REPLY