Connect Gujarat
ગુજરાત

રાજવી પરંપરા સાથે મનોહરસિંહજી જાડેજા (દાદા)ને અપાઈ અંતિમ વિદાય

રાજવી પરંપરા સાથે મનોહરસિંહજી જાડેજા (દાદા)ને અપાઈ અંતિમ વિદાય
X

રાજકોટઃ 'દાદા' ને અપાઈ અંતિમ વિદાય, ગઈકાલે થયું હતું નિધન

વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો

રાજકોટના રાજવી અને કોંગ્રેસના પીઢ નેતા, પૂર્વ કેબિનેટ મંત્રી મનોહરસિંહ જાડેજા(દાદા)નું ગુરૂવારે મોડીસાંજે નિધન થયું હતું, અહીંની જનતાએ ઉમદા વ્યક્તિત્વ, ખરા લોકનેતા અને રંકના રાજા ગુમાવ્યા હોય તેવા અહેસાસ સાથે સમગ્ર શહેરમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું. તો વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દાદાનાં અવસાનનાં પગલે શોક વ્યક્ત કર્યો હતો.

રાજકોટ ખાતે આજે સ્વર્ગસ્થ મનોહરસિંહ જાડેજા (દાદા)ના અંતિમદર્શન યોજવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ સ્વજનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અગ્રણી નેતાઓ સહિત તેમના ચાહકો અંતિમદર્શન કરવા પહોંચ્યા હતા. માનભેર તેમની અંતિમવિધિની તૈયારીઓ પરિવારજનો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. મનોહરસિંહજીને નવ ગનની સલામી સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

રાજકોટના યુવરાજ તરીકે લોકપ્રિય મનોહરસિંહ જાડેજા છેલ્લા કેટલાક સમયથી અવસ્થાને કારણે નાજુક તબિયતમાંથી પસાર થઇ રહયા હતા. ગુરૂવારે સવારે દાદાની તબિયત વધુ ગંભીર બનતા ચિંતાનું મોજૂ પ્રસરી ગયું હતું. અને મોડીસાંજે તેમનું ૮3 વર્ષની ઉંમરે નિધન થયાનું જાહેર થતાં જ રણજીતવિલાસ પેલેસ પર નાના-મોટા સૌ કોઈ દુ:ખી ચહેરે પહોંચી ગયા હતા.

દાદાના પરિવારમાં રાણી સાહેબા મીનલકુમારી તથા પુત્ર માંધાતાસિંહ સહિતનાનો સમાવેશ થાય છે. રાજકોટમાં જ જન્મેલા મનોહરસિંહ જાડેજાએ પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં રાજકુમાર કોલેજમાં લીધા બાદ આગળનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો. ભારત આવ્યા બાદ તેઓ એક અચ્છા સ્પોર્ટસમેન પણ રહયા હતાં. તેઓ સૌરાષ્ટ્ર વતિ રણજી ટ્રોફી પણ રમ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી પણ પેલેસ ખાતે દાદાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા.શહેરમાં તેમની પાલખીયાત્રા નિકળશે અને ત્યારબાદ રામનાથપરા સ્મશાનગૃહ ખાતે દાદાની અંતિમવિધિ કરવામાં આવશે.

Next Story
Share it