રાજ્ય ના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પોસ્ટ થી ખળભળાટ,નિવૃત્તિ અંગે સોશ્યલ મીડિયા પર કરી જાણ

New Update
રાજ્ય ના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પોસ્ટ થી ખળભળાટ,નિવૃત્તિ અંગે સોશ્યલ મીડિયા પર કરી જાણ

ગુજરાત રાજ્ય ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સોશ્યલ મીડિયા થકી પોતાની નિવૃત્તિ અંગે પોસ્ટ કરતા રાજકારણ માં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisment

ગુજરાત રાજ્ય માં છેલ્લા એક વર્ષ માં પાટીદાર અનામત આંદોલન અને તાજેતરમાં દલિત અત્યાચાર ના મુદ્દે ભારે રાજકારણ ગરમાયુ છે.અને સતત ભાજપ સરકાર સામે વિવિધ પડકારો ઉભા થઈ રહ્યા છે.ત્યારે વર્ષ 2017માં આવનાર વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં રાખીને રાજ્ય ના રાજકારણ માં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી,અને આનંદીબહેન પટેલની એક ફેસબૂક પેજ પર ની પોસ્ટે રાજ્ય સહિત દિલ્હી સુધીના રાજકારણ માં ભુકંપ સર્જી દીધો છે.મુખ્યમંત્રી આનંદીબહેન પેટેલે કરેલી પોસ્ટ અક્ષર સહ અહીંયા જોઈ શકાય છે.

છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે. સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખુબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે. જેને હું મારૂ સદભાગ્ય માનુ છું.

મહીલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્યમંત્રી પદ સુધી પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મુક્યો તે માટે હું ઋણી છું. કુશળ સંગઠક, દીર્ધદ્રષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલા સંગઠ્ઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી જેના કારણે સાતત્યપુર્વક મારૂ ઘડતર થતું રહ્યું. છેલ્લા 18 વર્ષથી ગુજરાત સરકારનાં ખુબ જ અગત્યનાં વિભાગોની કામગીરી કરતાં કરતાં અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રામાણિકતા સાથે પરીણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું. મે, 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહીલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરીષ્ઠ નેતૃત્વએ મને સોંપી તેને હું સમગ્ર ગુજરાતની મહીલાઓનું ગૌરવ ગણું છું. શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યાં અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ તે સ્વાભાવિક રીતે જ આકાશ ના તારા ગણવા જેવું કઠીન કાર્ય હતું પરંતુ, મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પડી નથી.

c7b6c020-d8c9-4b96-8f09-b5ce310908d7

Advertisment

ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિધ્ધાંતો અને શિસ્તબધ્ધતાથી પ્રેરાઈ હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું. છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી પંચોતેર વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી આગવી પરંપરા ઉભી કરી છે. જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે. જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે. મારા પણ નવેમ્બરમાં પંચોતેર વર્ષ પુરા થનાર છે. પરંતુ 2017ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવવાની હોઈ તેમજ દર બે વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પણ જાન્યુઆરી 2017માં યોજાનાર હોઈ નવનિયુક્ત થનાર મુખ્યમંત્રીને પુરતો સમય મળી રહે તે માટે મેં બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરેલ. હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરૂં છું.

ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. રાજ્યરૂપી પરીવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ અને કામ કરતાં રહેવાની સતત પ્રેરણા મળી છે તે માટે હું મારી હ્દયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરૂં છું.

Advertisment
Latest Stories