સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટ આજે ચુકાદો આપે તેવી શક્યતા છે. બે જાન્યુઆરીએ સીબીઆઈ કોર્ટે  સોળ વર્ષ જૂના આ કેસમાં આરોપી ગુરમીત રામ રહીમ, નિર્મલ, કુલદીપ અને કૃષ્ણ લાલને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.સુરક્ષાને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારની અપીલથી સીબીઆઈ કોર્ટે રામ રહીમની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવાની મંજૂરી આપી હતી.

આ કેસમાં પણ જજ જગદીપ સિંહ જ ચુકાદો સંભળાવશે. આ જજે જ સાધ્વી યૌન શોષણ કેસમાં રામ રહીમને સજા સંભળાવી હતી.સાધ્વી યૌન શોષણ કેસમાં બે લેટર લખવામાં આવ્યા હતા. તેના આધારે જ રામચંદ્ર છત્રપતિએ તેમના ન્યૂઝપેપરમાં આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. આરોપ છે કે, છત્રપતિ પર પહેલાં દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓ આરોપીઓની ધમકી આગળ ન ઝૂક્યા તો ૨૪ ઓક્ટોબર ૨૦૦૨ના રોજ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ૨૧ નવેમ્બર ૨૦૦૨ના રોજ દિલ્હીની અપોલો હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.

આરોપ છે કે બાઈક પર આવેલા કુલદીપે ગોળી મારીને રામચંદ્રની હત્યા કરી હતી. તેની સાથે નિર્મલ પણ હતો. જે રિવોલ્વરથી રામચંદ્ર પર ગોળી ચલાવવામાં આવી હતી તેનું લાઈસન્સ ડેરા સચ્ચા સોદાના મેનેજર કૃષ્ણ લાલના નામ પર હતું. ગુરમીત રામ રહીમ પર હત્યાનું કાવતરુ ઘડવાનો આરોપ છે.

રામ રહીમ હાલ બે સાધ્વીઓના યૌન શોષણ કેસમાં ૨૦ વર્ષની સજામાં જેલમાં છે. સુનાવણીને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે રોહતકની સુનારિયા જેલ અને સિરસા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. સિરસામાં હરિયાણા પોલીસની ૧૨ કંપનીઓ ડેરા સચ્ચા સોદાથી સિરસા શહેર સુધી તહેનાત કરવામાં આવી છે. ડેરા સચ્ચા સોદાને ૧૪ પોલીસ નાકેથી ઘેરવામાં આવ્યું છે. ડેરાની દરેક પ્રવૃતિઓ આજે બંધ રાખવામાં આવી છે.

LEAVE A REPLY