Connect Gujarat
ગુજરાત

રીવર રાફટિંગની સુવિધા થી કેવડીયાના પ્રવાસન આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું

રીવર રાફટિંગની સુવિધા થી કેવડીયાના પ્રવાસન આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું
X

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આગામી દિવાળી કેવડીયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા કહ્યું કે 1 લી સપ્ટેમ્બર થી રીવર રાફટિંગ ની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે દુનિયાભર માં રીવર રાફટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વાના પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે. ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતો ની મદદ થી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે. એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગ ની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. આ જગ્યા જંગલો થી ઘેરાયેલી છે. એટલે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે.નદીના વળાંકો ને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે જીઓના સહયોગ થી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી WiFi સેવા શરૂ કરાવી છે. અહીં વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે જેમાં વિશ્વ આખાના વનસ્પતિ વૈવિદ્યનો ઉછેર કરાશે જંગલ સફરીમાં જીરાફ અને ગેંડા(rhino) સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે.પતંગિયા ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાના આનંદ દર્શન થશે.

કેક્ટસ ગાર્ડન માં મનમોહક કેક્ટસ જોવા મળશે.અહીં ટપક સિંચાઈ થી વન ઉછેરવામાં આવી રહ્યું છે.કાયમ માટે અદભુત રાત્રી પ્રકાશ વ્યવસ્થા કરાશે જેના લીધે પ્રવાસીઓ કેવડીયાનું રાત્રી દર્શન કરી શકશે.15મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ છે. આ વિશ્વ કક્ષાના બનનારા પ્રવાસન ધામમાં પ્રવાસીઓ બાળકો સાથે સહ પરિવાર આવે અને 3 દિવસનું રોકાણ કરી વિવિધતાસભર પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ જંગલ સફારીના વિકાસનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે શ્રીમતી અંજલિબહેન રૂપાણી, સરદાર સરોવર નર્મદા નિગમના એમડી રાજીવ કુમાર ગુપ્તા, જિલ્લા કલેક્ટર આઇ. કે.પટેલ સહિત મહાનુભાવો એમની સાથે રહ્યા હતા.

Next Story