Connect Gujarat
ગુજરાત

લોકસભા ચૂંટણી–૨૦૧૯ : ભરૂચ બેઠક પર ભાજપ–કોંગ્રેસના મહારથી કોણ...?

લોકસભા ચૂંટણી–૨૦૧૯ : ભરૂચ બેઠક પર ભાજપ–કોંગ્રેસના મહારથી કોણ...?
X

ભાજપમાં મનસુખભાઇ વસાવા અને ઘનશ્યામભાઇ પટેલ મજબૂત દાવેદાર : કોંગ્રેસ છોટુભાઇના ખભે બેસી ભાજપને પછાડવાની ફિરાકમાં

લોકસભા ચૂંટણીના પડઘમ લાગી ચૂકયા છે. તંત્ર અને રાજકીયપક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભરૂચ બેઠક પર ભાજપ પોતાનો દબદબો જાળવી રાખવા અને કોંગ્રેસ તથા બી.ટી.પી. ભેગા મળી ભાજપને પછાડવા તખ્તો ગોઠવી રહયા છે. કોંગ્રેસ છોટુભાઇ વસાવાના ખભે બંદૂક મૂકી ભાજપનો શિકાર કરવાની ફિતરતમાં છે ત્યારે ભાજપ–કોંગ્રેસ કે બી.ટી.પી.માંથી ચૂંટણી મેદાનમાં કયા મહારથીને મેદાનમાં ઉતારવામાં આવશે તે અંગેની ચર્ચાઓએ જાર પકડયું છે.

ભરૂચ બેઠક પર ૧૯૯૧થી ભાજપનો ભગવો લહેરાય છે. ૧૯૯૧, ૧૯૯૬ અને ૧૯૯૮ સુધી ભાજપના ચંદુભાઇ દેશમુખે બેઠક જાળવી હતી. ૧૯૯૯થી અત્યાર સુધી સતત પાંચ ટર્મથી મનસુખભાઇ વસાવા ભરૂચ બેઠક પર અનબિટન રહયા છે. મનસુખભાઇ વસાવા એક નિષ્કલંક આદિવાસી નેતા છે. સાચું હોય અને જનહિતમાં હોય તો પોતાના જ પક્ષ કે નેતા સામે અવાજ ઉઠાવતા અચકાયા નથી. જેને લઇ લોકોમાં તેમનો પ્રભાવ જાવા મળે છે. છેલ્લી બે ટર્મથી તેમને બદલવાની વાતો ચૂંટણી પહેલા શરૂ થાય છે. આ વખતે પણ આ વાતોએ જાર પકડયું છે. ભાજપમાંથી જો મનસુખભાઇ વસાવા નહીં તો બીજું કોણ ? આ પ્રશ્ન સ્વાભાવિક ઊભો થાય. કારણકે ભરૂચ લોકસભા મત વિસ્તાર આદિવાસી અને શહેરી વિસ્તાર બંંન્ને સાથે જાડાયેલા છે. આદિવાસી મતદારોનો પ્રભાવ ચૂંટણીના પરિણામો માટે નિર્ણાયક બની રહે છે. ઝઘડિયા અને ડેડિયાપાડા બંને આદિવાસી બેલ્ટની વિધાનસભાઓ છે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ જનરલ બેઠકો છે. એટલે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર આદિવાસી બેલ્ટ અને અન્ય વિસ્તારમાં પ્રભાવ ધરાવતો હોય તે જરૂરી છે.

મનસુખભાઇ વસાવા સાતે વિધાનસભામાં ભાજપના એક સર્વમાન્ય નેતા તરીકે સ્થાપિત થઇ ચૂકયા છે. પરંતુ તેમના વિકલ્પમાં જોવા જઇએ તો ઘનશ્યામભાઇ પટેલ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઘનશ્યામભાઇ પટેલ સહકારી ક્ષેત્રના એક કદાવર આગેવાન છે. દૂધધારા ડેરી, ધારીખેડા, સુગર અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જાડાયેલા છે. દૂધધારા અને ધારીખેડા સુગરનો પોતાના સાલસ સ્વભાવ અને કુનેહથી આદિવાસી, મુસ્લીમ સહિત તમામ વર્ગના લોકોને જાડી પશુપાલન અને ખેતી ક્ષેત્રે પ્રોત્સાહિત કરી વિકાસ કર્યો છે. એનાથી પણ આગળ વધી શૈક્ષણિક સંકુલોના પણ તેઓ સફળ સંચાલન કરી રહયા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેઓ પણ મનસુખભાઇ વસાવાની જેમ નિષ્કલંક આગેવાનની છાપ પણ એ ધરાવે છે.

આ ઉપરાંત પ્રતિ ટર્મની જેમ આ વખતે પણ ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સહકારમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દર્શના દેશમુખના નામો સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચાની એરણે છે.

ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભાઓમાંથી ઝઘડિયા અને ડેડિયાપાડા બી.ટી.પી. પાસે છે. જંબુસર અને કરજણ કોંગ્રેસ પાસે છે. જ્યારે ભરૂચ, વાગરા અને અંકલેશ્વર ભાજપ પાસે છે. કોંગ્રેસ અને બી.ટી.પી. વચ્ચે ગઠબંધન થાય તો તેમની પાસે ચાર વિધાનસભા થઇ જાય. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને બી.ટી.પી.નું ગઠબંધન કંઈક અંશે સફળ રહયું હતું. જે જોતા આગામી લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ છોટુભાઇ સાથે ગઠબંધન કરવાની વેતરણમાં પણ છે. કોંગ્રેસ ઈચ્છે છે કે છોટુભાઇ ઉમેદવારી ન કરે અને ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપે તો ચૂંટણીમાં ખરાખરીનો ખેલ ખેલાય.

પરંતુ બીજી બાજુ છોટુભાઇ પણ ચૂંટણી લડવા તૈયારી કરતા હોવાનું કહેવાય છે. જે જોતા કોંગ્રેસ સાથેના ગઠબંધનની શક્યતાઓ નહીંવત છે. કોંગ્રેસ આ બેઠક પર લઘુમતી ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી સંભાવનાઓ છે. તેવા સંજાગોમાં કોંગ્રેસમાંથી યુવા પાંખના નેતા શેરખાન પઠાણ, યુનુસ પટેલ, મકબુલ કાકુજી, અઝીઝ ટંકારવી અને ઝુલ્ફીકાર અલી સૈયદના નામો બોલાઈ રહયા છે. તો બીજીબાજુ ખેડૂત આગેવાન જયેશ પટેલ, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને માવસંગભાઇ પરમાર પણ સંભવિત ઉમેદવારો તરીકે મેદાનમાં છે.

Next Story