Top
Connect Gujarat

વડતાલ ખાતે ભારતીય પત્રકાર સંઘ-નવી દિલ્હી આયોજિત નવમાં ત્રિદિવસીય પ્લેનરી સેશનને ખુલ્લું મૂકતા મુખ્‍યમંત્રી

વડતાલ ખાતે ભારતીય પત્રકાર સંઘ-નવી દિલ્હી આયોજિત નવમાં ત્રિદિવસીય પ્લેનરી સેશનને ખુલ્લું મૂકતા મુખ્‍યમંત્રી
X

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાએ સંપૂર્ણ આઝાદી સાથે સમાચારોની સત્‍યતા તપાસી વિશ્વસનીયતા સાથે સમાચારોનું નિરૂપણ કરી સમાજને સાચા માર્ગે દોરવાનું કામ કરવું જોઈએ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા પ્રસિદ્ધ સ્વામિનારાયણ તીર્થધામ વડતાલ ખાતે ભારતીય પત્રકાર સંઘ, નવી દિલ્હી આયોજિત નવમા ત્રિદિવસીય પ્લેનરી સેશનને ખુલ્લું મૂકયું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, લોકતંત્રના ચાર સ્થંભમાં મિડીયાની ભૂમિકા અહેમ છે ત્યારે તેણે પક્ષકાર ન બનતાં જનતા જનાર્દનનો અવાજ-મત નીરક્ષીર વિવેકથી સાચી રીતે રજૂ કરવાનું દાયિત્વ નિભાવવું જોઇએ. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, મિડીયા, ન્યાયપાલિકા, સંસદ અને પ્રતિપક્ષ એ ચારેય સ્થંભની સક્રિયતા અને વિશ્વસનીયતાથી જ લોકતાંત્રિક મૂલ્યોને નવી ગરિમા – ઊંચાઇ આપી શકાય.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="97102,97103,97104,97105,97106,97107,97108,97109"]

આ અવસરે મુખ્યમંત્રીએ પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર પત્રકારો અને વ્યક્તિ વિશેષોને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.આ પ્‍લેનરી સેશનમાં ગુજરાત સહિત દેશભરના ૪૦૦ પત્રકારો ભાગ લઇ રહયાં છે.

આ અવસરે વડતાલ મંદિર દ્વારા સુરત અગ્નિકાંડના મૃતકોને સહાયરૂપ થવા રૂા.૫,૫૫,૫૫૫ નો ચેક સંતોએ મુખ્‍યમંત્રીને ‘‘મુખ્‍યમંત્રીશ્રી રાહતનિધિ ફંડ’’માં અર્પણ કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ૧૯૩ વર્ષ પૂર્વે વડતાલમાં સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણ લિખિત શિક્ષાપત્રી આજે પણ સમાજમાં જ્ઞાન અને સંસ્કારીતાનો માર્ગ બતાવે છે. પ્રકાશન અને લેખન દ્વારા સમાજનો કેવી રીતે ઉત્કર્ષ કરી શકાય એનો રાહ ગુજરાતની ધરતીએ ૧૯૩ વર્ષ પૂર્વે બતાવ્‍યો હતો તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

એક સાચો પત્રકાર સંત જેવો હોય છે એવી લાગણી વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીએ કહ્યું કે અખબાર નરેશો-માધ્‍યમો પોતાના અખબાર દ્વારા સમાજને સાચી વાત સંસ્‍કારીતાના મૂલ્‍યોથી અવગત કરાવે એ પત્રકારોની જવાબદારી છે. પત્રકારો દિવાદાંડી બની સમાજને સાચા-ખોટાની સાથે સત્‍યનો માર્ગ બતાવે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

વિજયભાઇ રૂપાણીએ અખબારો-મિડીયા જનમત જગાવવામાં મહત્વપૂર્ણ છે તેનો નિર્દેશ કરતાં તાજેતરની લોકસભા ચૂંટણીમાં વિક્રમી મતદાન માટેની જાગૃતિ આવાં અખબારી-મિડીયા માધ્યમોએ કેળવી તેની સરાહના કરી હતી. પૂર જેવી આપદા, ભૂકંપ, આતંકવાદ જેવી ઘટનાઓમાં હકારાત્‍મક રીપોર્ટિંગ કરી મિડીયાએ નવી મિસાલ કાયમ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.

સ્‍વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્‍મા ગાંધીજીએ હરિજન, ઇન્‍ડિયન ઓપિનિયન, યંગઇન્‍ડિયા, નવજીવન પત્રિકા દ્વારા આઝાદીના જંગની નવી દિશા બતાવી હતી તેમ પણ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું. તેમણે મિડીયાના હવેના બદલાતા જતા સ્વરૂપ અને વ્યાપ વિશે સજાગતા સજ્જતા કેળવવા પત્રકાર જગતને અનુરોધ કરતાં કહ્યું કે, બ્રેકીંગ ન્યૂઝ કે કોણ પહેલાં સમાચાર આપે તેવી પડકારભરી સ્થિતીમાં પણ મિડીયાએ સત્ય-નિષ્ઠા-વિશ્વસનીયતા જાળવી રાખવી એ સમયની માંગ છે અને અધ્યયન વિચાર-વિમર્શનો વિષય છે. મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે પત્રકાર સુરક્ષા, પેન્‍શન-પત્રકારો માટે કલ્‍યાણકારી યોજનાઓ માટે સરકાર વિચારવિમર્શ કરી આગળ વધશે, તેવો દિશાનિર્દેશ આપ્યો હતો.

મુખ્‍યમંત્રીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નવા ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા નવી સોચ, નવી દિશા, નવી વ્‍યવસ્‍થા સાથે સંકલ્‍પ સિધ્‍ધિ માટે પ્રતિબધ્‍ધ બનવા જણાવ્‍યું હતું.

વડતાલ સંસ્‍થાના નૌતમસ્‍વામીએ જણાવ્યું કે વડતાલ એ સ્‍વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ છે. વડતાલધામ દ્વારા જનસમાજમાં આધ્‍યાત્‍મિક ચેતના સાથે સામાજિક ઉત્‍કર્ષના કાર્યો થઇ રહયાં છે. લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં મીડિયા ચોથી જાગીર છે, ત્‍યારે પત્રકારોએ દર્પણની જેમ સમાજને સાચો રાહ ચીંધવો જોઇએ. તેમ ઉમેર્યું હતું. પત્રકાર જગત સાધુ જેવું છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે સાધુ અને પત્રકાર પોતાનું જીવન પરોક્ષ રીતે અને અનેક પડકારો સાથે સમાજના ઉત્‍કર્ષ માટે સમર્પિત કરે છે.

પ્રારંભમાં ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ બી.આર.પ્રજાપતિએ સૌનો આવકાર કર્યો હતો. અંતમાં જી.પ્રભાકરણે આભારવિધિ કરી હતી. આ અવસરે મુખ્‍યદંડક પંકજભાઇ દેસાઇ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, મિતેષભાઇ પટેલ, કલેકટર સુધીર પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, મુખ્‍ય કોઠારી ઘનશ્‍યામસ્‍વામી, દેવસ્‍વામી, બાપુસ્‍વામી, સંતસ્‍વામી સહિત ગુજરાત સહિત દેશભરના પત્રકારો હાજર રહયાં હતાં.

Next Story
Share it