Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ રાજમાર્ગો ઉપર નીકળી ત્રિરંગા યાત્રા, ઠેર-ઠેર કરાયું ભવ્ય સ્વાગત

વડોદરાઃ  રાજમાર્ગો ઉપર નીકળી ત્રિરંગા યાત્રા, ઠેર-ઠેર કરાયું ભવ્ય સ્વાગત
X

ત્રિરંગા યાત્રામાં 72 મોટર સાઇકલો સાથે 144 પોલીસ જવાનો જોડાયા

72માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ શહેરમાં ભવ્યાતિભવ્ય ત્રિરંગા યાત્રા નીકળી હતી. દેશભક્તિના ગીતો સાથે શહેરના રાજમાર્ગો ઉપર નીકળેલી યાત્રાનું માર્ગોમાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રા, રાત્રે મશાલ યાત્રા સહિત વિવિધ યોજાયેલા કાર્યક્રમોને પગલે સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાઇ ગયું હતું.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ મુજબ દેશની આઝાદીના 72માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ભવ્યાતિભવ્ય ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ત્રિરંગા યાત્રામાં 72 મોટર સાઇકલો ઉપર 144 પોલીસ જવાનો જોડાયા હતા. આ સાથે આ યાત્રામાં 500 જેટલા શિક્ષકો જોડાયા હતા. દેશભક્તિના ગીતો સાથે નીકળેલી ત્રિરંગા યાત્રાએ શહેરના માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ત્રિરંગા યાત્રાના ભવ્ય સ્વાગત માટે રાજમાર્ગો ઉપર 10 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. જ્યાંથી પોળના યુવક મંડળો અને શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રના પગલે શહેરના માર્ગો બપોરથી જ દેશભક્તિના ગીતોથી ગુંજતા થઇ ગયા હતા. પરિણામે યાત્રાનો સમગ્ર માર્ગ દેશભક્તિમાં તરબતર થઇ ગયો હતો.

શહેરના વડીવાડી ફાયર બ્રિગેડ સામે આવેલ ક્રાંતિવિર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસેથી ત્રિરંગા યાત્રા નીકળી હતી. ત્રિરંગા યાત્રામાં રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશભક્તિના ગીતો અને લહેરાતા ત્રિરંગા સાથે નીકળેલી યાત્રા વડીવાડીથી નીકળી હતી અને ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઇ હતી.

આ સાથે શહેરમાં આજે રાત્રે શહેર ભાજપા દ્વારા પ્રતિવર્ષ મુજબ મશાલ રેલી કાઢવામાં આવી હતી. શહેરના માર્ગો ઉપર નીકળેલી મશાલ રેલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. મશાલ યાત્રામાં પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વીજ પટેલ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મેયર ડો. જીગીશાબહેન શેઠ, ડે. મેયર ડો. જીવરાજ ચૌહાણ, સાંસદ રંજનબહેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભાજપાના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

Next Story
Share it