Connect Gujarat
ગુજરાત

વડોદરા: આલમગીર ગામે ફટાકડાની દુકાન પાસેથી અજાણી મહિલાની હત્યા કરાયેલ લાસ મળી

વડોદરા: આલમગીર ગામે ફટાકડાની દુકાન પાસેથી અજાણી મહિલાની હત્યા કરાયેલ લાસ મળી
X

વરણામા પોલીસ મથકની હદમાં આવેલા વડોદરા તાલુકાના આલમગીર ગામમાં આવેલી એક ફટાકડાની દુકાન પાસેથી પ્લાસ્ટિકના કોથળામાં વિટીને હત્યા કરી દેવાયેલી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા વરણામા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

વડોદરાના આલમગીર ગામમાં આવેલી એક ફટાકડાની દુકાન પાસે એક અજાણી મહિલા ઉ.વ. આશરે ૩૫ નો હત્યા કરી પ્લાસ્ટિકના કોથળામાં વિટાળેલો હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

જેની જાણ પોલીસને થતા વરણામા પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેમજ મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોથળામાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢતા ખુબ જ વિકૃત હાલતમાં મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો અને મહિલાના ગળા તથા માથાના ભાગે ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા. મહિલાએ પહેરેલા બ્લાઉઝમાંથી એક મોબાઇલ ફોન પણ પોલીસને મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા એ એસ પી નરેન્દ્ર પટેલ, વડોદરા ગ્રામ્ય એલ સી બી પોલીસ, એફ એસ એલ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હત્યાનું પગેરૂ મેળવવા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઇ છે.

હત્યા કરી દેવાયેલા અજાણી મહિલાના મૃતદેહને પોલીસે પી.એમ. અર્થે પોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. પી.એમ. રિપોર્ટ બાદ ખબર પડશે કે મહિલાની હત્યા કયા હથિયારથી કરવામાં આવી છે. હાલ તો હત્યા કરી દેવાયેલી મહિલાના મળી આવેલા મૃતદેહ પાછળ રહસ્યના તાણાવાણા ગુંથાઇ ગયા છે. અજાણી મહિલાના મળી આવેલા મૃતદેહનો મુદ્દો સમગ્ર વરણામા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. વરણામા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story