Top
Connect Gujarat

વડોદરા:શહેર-જિલ્લાની આંગણવાડીઓમાં નવી નોંધાયેલી સગર્ભાઓની સીમંતવિધી યોજીને વધાવાઇ

વડોદરા:શહેર-જિલ્લાની આંગણવાડીઓમાં નવી નોંધાયેલી સગર્ભાઓની સીમંતવિધી યોજીને વધાવાઇ
X

દર મિહનાના પહેલા મંગળવારે આંગણવાડીઓમાં નવી નોંધાયેલી સગર્ભાઓને સીમંતવિધી યોજીને વધાવવામાં આવે છે.

નવ સગર્ભા માતાઓએ સગર્ભાવસ્થા દરમિયાન પોતાની અને ગર્ભસ્થ બાળકની લેવાની કાળજીની સમજ આપવા વડોદરા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ અભિનવ પહેલ

પ્રત્યેક પરિવાર પોતાની નવ સગર્ભા દિકરી કે વહુને વધાવવા સગર્ભાવસ્થાના સાતમા કે આઠમા મહિને સીમંતવિધી યોજે છે. આ સામાજિક પરંપરાને વડોદરા શહેર-જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ નવ સગર્ભાઓને સગર્ભાવસ્થામાં પોતાની અને ગર્ભસ્થ શિશુની કાળજી લેવા માટેની જરૂરી સમજણ આપવાના પ્રસંગ તરીકે અપનાવી છે. આ પરંપરા અન્વયે પ્રત્યેક મહિનાના પહેલા મંગળવારે આંગણવાડીઓમાં ગામની નોંધાયેલી નવ સગર્ભાઓનો સીમંતવિધી ગોદભરાઇ થાય છે જેમાં તેમને વધાવવાની સાથે તંદુરસ્ત સગર્ભાવસ્થા અને બાળ જન્મ માટે જરૂરી વૈજ્ઞાનિક સમજણ આપવામાં આવે છે.

સીમંતવિધીના ભાગરૂપે નવ સગર્ભાઓને શુકન-શુભેચ્છારૂપે નાળીયર તથા મગ-ચણા સહિત પૌષ્ટિક આહારની કીટ અપાય છે. પ્રથમવારની સગર્ભાની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ તબક્કાવાર મળવાપાત્ર રૂા. ૫૦૦૦/-ની સહાય તેમજ જનની સહાય યોજના હેઠળ મળવાપાત્ર રૂા. ૧૦૦૦/-ની સહાય માટે નામ નોંધણી કરાય છે.

આજે વડોદરા શહેરના સમા વિસ્તારની એકતાનગર આંગણવાડી અને જિલ્લાના પાદરા તાલુકાના પ્રમુખ જન્મભૂમિ ચાણસદ અને દરાપુરા ખાતે વર્લ્ડ બેંકના, યુનિસેફના અને મધ્યપ્રદેશ રાજયના પ્રતિનિધિઓએ નેશનલ ન્યુટ્રીશન મિશન-રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત દર મહિનાના પ્રત્યેક મંગળવારે કરવામાં આવતી સગર્ભાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને પ્રજનન વયની મહિલાઓએ તંદુરસ્તીની કાળજી માટે લેવાની પ્રવૃત્તિઓનું નિદર્શન નિહાળ્યુ હતુ. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજીને માતા-બાળ આરોગ્ય અંગે ચર્ચા કરી હતી.

સિનિયર કન્લસટન્ટ હેલ્થ એન્ડ ન્યુટ્રિશ્યિન ડૉ. અવનીએ જણાવ્યું કે, ગુજરાતમાં કુપોષણ દર ઘટાડી શૂન્ય સુધી લઈ જવા રાજય સરકાર પ્રતિબદ્ધ છે. સમગ્ર ગુજરાતમાં ૫૨,૦૨૯ આંગણવાડીઓ છે જેમાં નોંધાયેલ ૦ થી ત્રણ વર્ષના બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓને પોષણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવે છે. જોઇન્ટ ઇમ્પ્લિમેન્ટેશન સપોર્ટ મિશન (JISM) અંતર્ગત કુપોષણ દૂર કરવા રાજય દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પારૂલબેન નાયકે જણાવ્યું કે,વડોદરા જિલ્લામાં ૧,૪૪૮ આંગણવાડી કેન્દ્રો ૧૧ ઘટકો છે જેમાં અંદાજે ૧ લાખ ચાર હજારથી વધુ લાભાર્થીઓને પોષણ અભિયાન તળે આવરી લેવામાં આવશે. આજરોજ ચાણસદ ખાતે ચાર સગર્ભાઓની સીમંતવિધી અને ચાર બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતુ. પોષણ અભિયાન અંતર્ગત બાળકો, કિશોરીઓ તેમજ સગર્ભા-ધાત્રીઓને પોષણ આહાર તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.

કાર્યક્રમમાં લોકભાગ્ય શૈલીમાં રંગલા-રંગલીના માધ્યમથી પોષણયુક્ત આહાર, નિરોગી બાળજન્મ માતાના ધાવણનું બાળવિકાસમાં મહત્વ તેમજ સંસ્થાકીય પ્રસુતિ, માતા-બાળ મૃત્યુ દર ઘટાડવું, રસીકરણ-હિમોગ્લોબીનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. સુપોષણનો સનેડોના માધ્યમથી સુપોષણ અભિયાનની વિગતો જણાવવામાં આવી હતી.

મુલાકાતી પ્રતિનિધિ મંડળમાં વર્લ્ડ બેંકના મધ્યપ્રદેશ, નવી દિલ્હી અને ગુજરાતના પ્રતિનિધિઓ સર્વ નરેશ રમનાણી, દિપાલી હરિપ્રસાદ અને સુબોધ જયસ્વાલ, યુનિસેફ-મધ્યપ્રદેશના તારકેશ્વર મિશ્રા તથા એમપી-આઇસીડીએસ અને ગુજરાત આઇસીડીએસના ઉચ્ચાધિકારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નવેમ્બર-૨૦૧૮માં જોઇન્ટ ઇમ્પ્લિમેન્ટેશન સપોર્ટ મિશન હેઠળ ગુજરાતના પ્રતિનિધિ મંડળે મધ્યપ્રદેશ રાજયમાં આંગણવાડી દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતુ.

Next Story
Share it