જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે રાજ્ય સરકારની સુચના પ્રમાણે જિલ્લાના તમામ તાલુકાઓમાં મનરેગા અને સુજલામ સુફલામ્ યોજનાના તમામ કામો સત્વરે ચાલુ કરવાની સૂચના આપી છે. તેમણે ગ્રામ વિસ્તારોમાં જાહેરમાં માસ્ક પહેરવા કે કપડાંના આવરણ થી મ્હો અને નાક ઢાંકવાના નિયમ તેમજ જાહેરમાં ન થુંકવાના નિયમનું ચુસ્ત પાલન કરાવવા આદેશ આપ્યો હતો.
તેમણે પ્રાંત અધિકારીઓને ગ્રામ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને જરૂરી તમામ ખાદ્ય સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવા અને આ બાબતમાં પૂરતી તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેકટરએ વિડિયો કોન્ફરન્સના માધ્યમ થી પ્રાંત અધિકારીઓ,મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ સાથે સંવાદ કરવાની સાથે પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી.
તેમણે ખાસ કરીને ભારત સરકારના જાહેરનામા હેઠળની પરવાનગી થી ગ્રામ વિસ્તારોમાં શરૂ થયેલી ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં આરોગ્યની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવે તેની તકેદારી રાખવા અને સ્વ સહાય જૂથની બહેનો દ્વારા માસ્ક ઉત્પાદનની કામગીરીની સમીક્ષા કરવા સૂચના આપી હતી. સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 1 લાખ માસ્ક બનાવવાની કામગીરીનું ઉદાહરણ આપી તેમણે બહેનોની નિષ્ઠાને બિરદાવી હતી..