Connect Gujarat
ગુજરાત

વરસાદના કારણે ભરૂચના તમામ માર્ગોનું ધોવાણ : કરોડો રૂપિયા પાણીમાં, લોકો પરેશાન

વરસાદના કારણે ભરૂચના તમામ માર્ગોનું ધોવાણ : કરોડો રૂપિયા પાણીમાં, લોકો પરેશાન
X

ચોમાસા પહેલાં જ ભરૂચમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ તમામ રસ્તાઓ પહેલા જ વર્ષે વરસાદના પગલે ધોવાઈ જતા સરકારની તિજોરીના અને જનતાના ખિસ્સના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. માર્ગોમાં ઠેર-ઠેર ખાડા પડતાં લોકો હેરાન થઈ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચમાં મેઘરાજા અનરાધાર વરસતા હલકી ગુણવત્તાના રસ્તા બનાવી રૂપિયા ગજવે ઘાલનારના ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી થઈ છે. હજી ચોમાસા પહેલાં જ ભરૂચના મોટાભાગના રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના આ રસ્તાઓમાં ખાયકી થતી હોવાની બૂમરાણો પણ મચી હતી. જેની સામે તંત્ર રીતસરના આંખઆડા કાન કર્યા હતા. ભ્રષ્ટાચારીઓનું આ પાપ ચોમાસમાં છાપરે ચઢીને પોકાર્યું છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106317,106318,106319,106320,106321"]

વરસાદના કારણે તમામ રસ્તઓના ધોવાણ થયા છે. ડામરના બનેલા રસ્તાઓ પરથી કપચી છૂટી પડી અને રોડ પર રમતી થઇ ગઈ છે. મોટા ગાબડાઓ પડતા વાહન ચાલકોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો બીજીબાજુ જ્યાં આર.સી.સી.ના રસ્તા બનાવવામાં આવ્યા છે ત્યાં પણ ઠેર-ઠેર મોટા ગાબડાઓ પડી જતાં આ રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ ચૂકી છે. બધા જ રસ્તાઓ પર પાણી ભરાવા દરમિયાન ગાબડાઓ ન દેખાતાં અનેક વાહનચાલકો ખાડાઓમાં ખાબકતા તેમને નાની-મોટી ઇજા અને વાહનને નુકશાની ઉઠાવવી પડી છે. ખાડાઓમાં વાહનો ચલાવવાના કારણે વાહન ચાલકોના કમ્મરનો પણ કચ્ચરઘાણ થઈ જતો હોવાની બૂમો ઉઠી છે. ભરૂચમાં મુખ્ય ગણાતા સ્ટેશન રોડ પર ગટરલાઈનના ખોદકામના પુરાણ બાદ તૈયાર કરાયેલો રોડ બેસી જતા અકસ્માતનો ભય ઉભો થયો છે. તો બીજીબાજુ જુના નેશનલ હાઈવેથી જ્યોતિનગરને જોડતો એકબાજુનો માર્ગ આખેઆખો ધોવાઈ જતા સ્થાનિક રહીશોએ ૫લાસ્ટિકના ડ્રમ મૂકી આ રસ્તાને બંધ કરવો પડયો છે.

પાંચબત્તીથી લીંકરોડને જોડતા માર્ગની પણ આ જ દશા છે. શક્તિનાથની આસપાસ બનાવેલ ડામરના રોડ પર કપચી છૂટી પડી જતાં ત્યાંથી પસાર થવામાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કલેક્ટર કચેરીની બહારનો માર્ગ પણ ધોવાઈ જતા ત્યાં પણ ખાડાઓ પડી જતાં વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગરપાિલકા એકબાજુ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ ધોવાઈ જતા પાપને છૂપાવવા માટે થીંગડા મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જેમને થીંગડા મારવાની જવાબદારી સોંપાઈ છે તેમને પણ નગરપાિલકા દ્વારા પેમેન્ટ ન ચૂકવાતા થીંગડા મારવાની કામગીરી પણ અભરાઈએ ચડી હોવાના અહેવાલો મળી રહયા છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે બૌડા (BAUDA) અને નગરપાલિકા લોકોને રસ્તાના સંકટમાંથી ઉગારે છે કે પછી બધું જેમ છે તેમ યથાવત જ રહેશે.

Next Story
Share it