વલસાડ: તિથલ રોડની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે હોમિયોપેથી ઓ.પી.ડીનો પ્રારંભ

રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સંવેદનશીલ બનીને અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ત્યારે વલસાડના તીથલ રોડ પર આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે હોમિયોપેથિક ઓપીડીનો જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં રાજ્ય સરકારે અનેક હોમિયોપેથિક ડોક્ટરોની નિમણૂંક કરી છે. જે પૈકી વલસાડ ખાતેની જનરલ હોસ્પિટલમાં ડો.પરિતા પટેલ, ડુંગરી સી.એચ.સી.માં ડો. નિકુંજ ગામીત, સેગવીમાં ડો.કામીની પટેલ, માણેકપોર ખાતે ડો.વૈભવી વસાવા તેમની સેવાઓ આપશે.
આ ઉપરાંત જિલ્લાના ૧૯ આયુર્વેદ દવાખાનાઓમાં નવા ડૉક્ટરોની નિમણૂંક કરવામાં આવી હોઇ આયુર્વેદ સેવાનો લાભ લેવા પણ જણાવાયું છે. વલસાડ જિલ્લાના તિથલ, હરિયા, ખાંડા, નેવરી, જાગવેલ, ધોડીપાડા, નાનીદાંતી, કોસંબા, ખારવેલ, કપરાડા, પારડી, વલસાડ સિવિલ, મરલા, ફલધરા, તિસ્કરી તલાટ, સલવાવ,નારગોલ, ભૂતસર તથા માણેકપોર ખાતે આયુર્વેદ દવાખાનાઓ કાર્યરત છે. ઓપીડીના પ્રારંભ અવસરે જિલ્લા આયુર્વેદ અધિકારી એમ.ડી.ચૌધરી, અધિક્ષક વૈદ્ય મનહર ચૌધરી તથા મેડીકલ ઓફિસર વૈદ્ય સુમિત પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.