વલસાડ: રૂપિયા ૯ લાખના ખર્ચે ૨૧૯ દિવ્યાંગોને અપાઇ મફત સાધન સહાય

સાધન સહાય યોજના થકી દિવ્યાંગો માટે સ્વરોજગારીની તકો ઉભી થતાં સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે.
રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા સમાજના નબળા વર્ગ તેમજ ખાસ કરીને દિવ્યાંગ,જરૂરિયાતમંદ વર્ગો અનાથ, નિરાધાર બાળકો, વૃદ્ધોના ક્ષેત્રે દ્રઢ અને સંગીન પ્રયાસોથી રક્ષણ, શિક્ષણ અને તાલીમ દ્વારા પુન.સ્થાપન માટે વિવિધ ક્ષેત્રે કાર્યરત છે.
આ વિભાગ દ્વારા નબળા વર્ગો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવી છે. જેમાં દિવ્યાંગ વ્યકિતઓ માટે ખાસ લાભો ઉપલ્બ્ધ કરાવવામાં આવ્યા છે. તેમની જરૂરિયાત મુજબ સાધન સહાય સરકાર અને સ્વેચ્છિક સમાજિક સંસ્થાઓના સૌજન્યથી આપવામાં આવે છે.વિકલાંગ વ્યકિત સાધન સહાય યોજનામાં ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યકિતઓને, દ્રષ્ટિહીન અને મૂકબધિર વ્યકિતને મફત સાધન સહાય આપવામાં આવે છે.
સાધન સહાય યોજના હેઠળ વલસાડ જિલ્લામાં ૨૧૯ વિકલાંગ વ્યકિતઓને રૂ. ૯ લાખના ખર્ચે મફત સાધનો આપવામાં આવ્યા છે. સમાજ સુરક્ષા વિભાગ વલસાડ દ્વારા વિકલાંગ વ્યકિતઓને ત્રણ અને બે પૈડાવાળી સાયકલ, ઘોડી કે કેલીપર્સ(બુટ) જેવા સાધનો મફત આપવામાં આવ્યા છે.
આ યોજના થકી વિકલાંગ વ્યકિતને સ્વમાનભેર જીવન જીવવા માટે સ્વરોજગારીની તકો ઉભી કરવામાં આવે છે. જેના માટે હાથલારી, સિલાઇ મશીન, મોચી કામના સાધનો, ઇલેકટ્રીક અને કોમ્પ્યુટરના રીપેરીંગના સાધનો, ભરતગુંથણ મશીન, ઍમ્બ્રોઇડરી મશીન વગેરે આપી વિકલાંગ વ્યકિતઓને સમાજમાં રોજગારી મેળવવાની સમાન તક આપવામાં આવે છે.
આ ઉપરાંત મૂકબધિર વ્યકિતઓ માટે હીયરીંગ ઍઇડ, દ્રષ્ટિહીન વ્યકિતઓ માટે સંગીતના સાધનો, ફોલ્ડીંગ સ્ટીક, બ્રેઇલ કીટ, મંદબુધ્ધિ વ્યકિતઓ માટે ઍમ.આર.ચાઇલ્ડ કીટ, તથા ટેબલેટ અને અન્ય અધ્યતન સાધનો આપવામાં આવે છે.