વાપી : ફ્લિપ્કાર્ટનો કલેક્શન બોય લૂંટાયો, જાણો રૂ. 16 લાખથી વધુની રકમ લઈને ક્યાં જતો હતો..!

0

અદ્યોગિક નગરી વાપીની જીઆઇડીસીમાં ફરી એક વખત સનસની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. થોડા દિવસો અગાઉ વાપીમાં ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફિસમાં ધોળા દિવસે રૂપિયા 10 કરોડથી વધુની લૂંટ થઈ હતી, અને હવે ફરી એક વખત વાપી જીઆઇડીસી વિસ્તારમાંથી 16 લાખથી વધુની લૂંટ થતા લૂંટારુઓને ઝડપી લેવા જિલ્લાભરની પોલીસ દોડતી થઇ છે.

વાપી જીઆઇડીસીના મોરારજી સર્કલ નજીક જાહેર રસ્તા પર રૂપિયા 16 લાખની લૂંટથી ભારે ચકચાર મચી જવા પામી હતી. ધોળા દિવસે વાહનોની અવરજવર વચ્ચે ફ્લિપકાર્ટ ઓનલાઇન શોપિંગ એજન્સીનો કલેક્શન બોય શનિ-રવિની રજા બાદ 2 દિવસમાં એકઠી થયેલી અંદાજે રૂપિયા 16 લાખની રોકડ રકમ ભરેલી બેગ લઈ બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો, તે દરમ્યાન 2 અજાણ્યા શખ્સોએ બાઈક પર આવેલા કલેક્શન બોયને રસ્તા વચ્ચે ઉભો રાખી પોતાની બહેનની છેડતી કેમ કરે છે, તેવો આક્ષેપ કરી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઉગ્ર બોલાચાલી સહિત ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

સમગ્ર બનાવમાં લૂંટારુઓએ કલેક્શન બોય યતીન પટેલને પોતાની બાઈક બેસાડી દમણ-ગંગા બ્રિજ સુધી અપહરણ કરી લઇ ગયા હતા. મોકો મળતા જ લૂંટારુઓએ યતીનને રોડ પર ફેંકી ફરાર થઇ ગયા હતા. આમ ધોળા દિવસે જાહેર રસ્તા પર જ રૂપિયા 16 લાખથી વધુ રોકડ રકમના લૂંટની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફરિયાદીને સ્થળ પર જ પૂછપરછ કરી આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ કરી હતી. જોકે આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી તેઓને ઝડપવા માટે મહત્વના રસ્તાઓ પર વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ ઘટના સ્થળની આસપાસની કંપનીઓ અને શોપિંગ કોમ્પ્લેક્ષની બહાર લાગેલા સીસીટીવી કેમેરા તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here