Top
Connect Gujarat

વ્યસનથી વિનાશ સામે લાલબત્તી ધરતા ડાંગના બાળ કલાકારો

વ્યસનથી વિનાશ સામે લાલબત્તી ધરતા ડાંગના બાળ કલાકારો
X

મોતના મુખમાં ધકેલાતા દેશના યુવાધનને બચાવવાના સંકલ્પ સાથે આરંભાયેલા સેવાયજ્ઞના ભાગરૂપે, ડાંગ જિલ્લામાં નાના નાના ભૂલકાઓ, વિઘાર્થીઓએ યુવાનો તથા વડિલોના માર્ગદર્શક બનીને, કહેવાતા સભ્ય સમાજને મૂક સંદેશ પાઠવ્યો છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા પ્રેરીત જ્ઞાનસેવા વિઘા સંકુલ, રંભાસ, જિ.ડાંગના કેટલાક બાળ કલાકારોએ તાજેતરમાં તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાવવાની સાથે, અદ્ભૂનત કળાના દર્શન કરાવી, ડાંગના ગામડાઓ ખૂંદીને, સમાજને વ્યસનમુક્તિનો મસમોટો સંદેશો પાઠવ્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="95486,95487,95488,95489,95490,95491,95492,95493"]

આજે જ્યારે બાળકોથી લઇને યુવાનો, અને મોટેરાઓ, પુરૂષ થી લઇને મહિલાઓ સુધીના લોકો વ્યસનને રવાડે ચડીને, મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે ત્યારે, આ નાના બાળ કલાકારોએ ખૂબ જ પરિશ્રમ કરીને, ડાંગના દુર્ગમ વિસ્તારોમાં જઇને, વ્યસનમુક્તિના નાટકના શ્રેણીબદ્ધ શો કરીને, સમાજને ઝંકૃત કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

સંસ્થાના સ્વામી મગંલ નયન સ્વામીજીના જણાવ્યા અનુસાર, સંસ્થાના બાળ કલાકારો વિશાલ પનારા, કમલ પટેલ, હિમાંશુ ચૌધરી, રાજ ભગરીયા, પ્રવેશ રેન્જર, અવિનાશ ગાવિત, અનિકેત પવાર, જયદિપ ગાવિત, શિવમ ગાવિત, હર્ષ કુંવર વિગેરેએ તેમનામાં રહેલી કળાના ઓજસ પાથરતા, રંગમંચ ગજવવાની સાથે સાથે, ગ્રામીણજનોમાં સંવેદનશીલતા જગાવવામાં પણ અસરકારક ભૂમિકા ભજવી હતી.

ખૂબ જ સફળ રહેલા કફન નામના આ વ્યસનમુક્તિ વિષયક નાટકના ડ્રેસ અને મેકઅપ માટે અનિકેત પવાર, લાઇટ ઍન્ડ સાઉન્ડ માટે શશિકાંત પટેલ, સ્ટેજ અને સેટ માટે સાગર પટેલ તથા અજય ચૌધરી, પ્રવચન માટે કૃપલ પટેલ, અને પ્રવક્તા તરીકે વિક્રમ બાગુલે પણ તેમનો સહયોગ પ્રદાન કર્યો હતો, તેમ જણાવતા સ્વામીજીએ આ નાટકને કેવડી ખાતે પ૮૮, વધઇમાં ૪૫૫, બોરપાડામાં ૫૧૬, નડગચોંડમાં ૬૮૨, શામગહાનમાં ૫૯૪, ગલકુંડમાં ૨૪૩, આહવા ખાતે ૨૯૨, ચીંચલમાં ૩૫૦, મોખામાળમાં ૭૦૫, મહાલમાં ૪૫૫, કાલીબેલમાં ૪૬૫, અને પીંપરી ખાતે ૨૪૨ પ્રેક્ષકો પ્રાપ્ત થયા હતા.

સાંપ્રત સમયમાં સાયકલની ટયુબનું પંચર સાંધવા માટે વપરાતા સોલ્યુશન સહિત પેટ્રોલ કે વ્હાઇટનર સહિત દારૂ, તાડી, લઠૃો, પાનમાવા, ગુટખા, તમાકુ અને તેની બનાવટો, બીડી, સીગારેટ, હુકા અને ચીલમ સહિત અનેક પ્રકારે વ્યસન કરીને, પોતાની જાત ઉપર કફન ઓઢી લેતા ભાન ભૂલેલા લોકો,જાણવા છતાં મોતને આમંત્રણ આપી, પોતાની સાથે તેમના ઉપર નભતા પરિવારજનોને પણ કઢંગી હાલતમાં છોડીને, મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. ત્યારે આ બાળ કલાકારોએ ગત તા.૬/પ/ર૦૧૯ થી સતત તા.૧૭/પ/ર૦૧૯ સુધી ડાંગના ડુંગરાઓ ખૂંદીને, સમાજને જાગૃત કરવાનું ભગિરથ કાર્ય કર્યું છે. જેના સુફળ આગામી દિવસોમાં જોવા મળશે.

પૂ.પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દિ તથા નવસારી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાનના ઉપક્રમે ડાંગ જિલ્લામાં આયોજિત કરાયેલા કફન નાટકના શ્રેણીબદ્ધ કાર્યક્રમો દરમિયાન સંસ્થા દ્વારા વ્યસનથી વિનાશનો સંદેશ આપતી પુસ્તિકા તથા સાહિત્યનું પણ વ્યાપકપણે વિતરણ કરાયુ હતું. તેમ, સ્વામીજીએ વધુમાં ઉમેર્યું હતું.

Next Story
Share it