સુરતના પલસાણા તાલુકાના બારાસડી ગામે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરમાં કામ કરી રહેલા પોતાના મોટા ભાઈને પાણી આપવા ગયેલા 18 વર્ષીય કિરણ ડામોર સાથે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કામકાજ દરમિયાન અચાનક પહેલા માળેથી કિરણનો પગ લપસી જતાં તે સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર પછડાયો હતો. દિલ ધડકાવી દે તેવી વાત તો એ છે કે, ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા કરાયેલા 3.5 ફૂટ લાંબા લોખંડના સળિયા પર પડતાં જ આ સળિયો યુવકની આંખ અને હાથમાં આરપાર ખૂંપી ગયો હતો!

ઘટના બની તે સમયે સ્થળ પર હાજર લોકોના કાળજા કંપી ઊઠ્યા હતા. તાત્કાલિક ગ્રાઈન્ડર મશીન વડે લોખંડના સળિયાને કાપીને યુવકને અત્યંત નાજુક હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબો અને ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. ન્યુરોસર્જન ટીમ દ્વારા સતત અઢી કલાકની જટિલ અને કઠિન જહેમત બાદ કિરણના શરીરમાંથી સફળતાપૂર્વક 3.5 ફૂટ લાંબો સળિયો બહાર કાઢવામાં આવ્યો હતો.

જોકે, સળિયો આરપાર ખૂંપી જવાને કારણે યુવકના મગજની અત્યંત મહત્વની નસો ડેમેજ થઈ ગઈ છે અને બ્લડ સર્ક્યુલેશન અટકી ગયું છે. હાલ 18 વર્ષીય યુવક કિરણ ડામોર વેન્ટિલેટર પર છે અને તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરોની ટીમ તેને બચાવવા માટે સતત મરણિયા પ્રયાસો કરી રહી છે.