સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીના સ્વજનોએ તબીબોને ઢોર માર મારી કર્યો હોબાળો

સુરતમાં સહારા દરવાજા પાસે આવેલી સ્મીમેર હોસ્પિટલમાં મોડી રાત્રે એક દર્દીના કેટલાક સ્વજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી ત્રણ રેસિડન્ટ તબીબ સહિત પાંચને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ રામપુરા રોહિત ફળિયાના 17 વર્ષિય કિશોરને ઇજા થતાં સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ કિશોરને માથાના ભાગે ઇજા થઇ હોવાથી સીટી સ્કેન કરવાની જરૂર પડી હતી.પરંતુ સીટી સ્કેન મશીન ચાલતું ન હોય તેથી કિશોરને સીટીસ્કેનમાંથી બહાર કઢાતા તેના સ્વજનો રોષે ભરાયા હતા અને હોસ્પિટલના ડૉ.સમર્થ પટેલ તેમજ ડૉ.મિતેશ મોદીને માર મારવાનું શરૂ કરી દીધું હતુ.
આ બનાવના પગલે હોસ્પિટલના સ્ટાફમાંથી તબીબના સાથી મિત્રો ડૉ.લલિત પટેલ તેમજ વોર્ડ બોય જીગ્નેશ પટેલ અને રાકેશ પટેલ તથા હોસ્પિટલના સિક્યરિટી ગાર્ડ પણ મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, 30 જેટલા લોકોના ટોળાએ તમામને માર માર્યો હતો.
મારપીટ બાદ પણ ટોળાએ હોસ્પિટલના સીટી સ્કેન વિભાગમાં ભારે તોડફોડ કરી હોબાળો મચાવી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તે સાથે જ સ્મીમેર હોસ્પિટલના ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા. આ ઘટના અંગે 100 થી વધુ રેસિડન્ટ તબીબોએ ન્યાયની માંગણી કરી છે.