સુરત:માંડવી રાઈસ મિલને લૂંટારૂઓએ નિશાન બનાવી ચલાવી લૂંટ,વોચમેનને બનાવ્યો બંધક

સુરત જિલ્લાના
માંડવી ખાતે આવેલ રાઈસ મિલને લૂંટારૂઓએ મધરાત્રે નિશાન બનાવી હતી.જેમાં વોચમેનને
માર મારી બંધક બનાવી કોતરમાં ફેંકી દીધો હતો અને બાદમાં મંડળીના તિજોરીમાં મુકેલ
૩૦ હજાર થી વધુની રોકડ તેમજ બે બાઈકની ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે માંડવી
પોલીસ તેમજ ડી વાય એસ પી સહીતના અધિકારીઓ દોડી આવ્યા હતા.



સુરત જિલ્લામાં
લૂંટારૂઓ પોલીસની ઠંડી ઉડાવી રહ્યા છે. લૂંટ ચોરીની ઘટનાઓ બની રહી છે. આવીજ એક
ઘટના સુરત જિલ્લાના માંડવીમાં મધરાત્રે બનવા પામી હતી. માંડવી ખાતે આવેલ ખેતી પાક
રૂપાંતરિત રાઈસ મિલને લૂંટારૂઓએ નિશાન બનાવી હતી. ૭ થી ૮ જેટલા લૂંટારૂઓ રાઈસ મિલની મંડળીમાં પ્રવેશ્યા
હતા અને પ્રથમ વોચમેનનેજ બાનમાં લીધો હતો.
લૂંટારૂઓએ વોચમેનને
પાછળના ભાગે કોતરમાં ફેંકી દીધા બાદ મંડળીના મુખ્ય મકાનમાં બારી તોડી પ્રવેશ્યા
હતા. આ ઘટના ત્યાંના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જેમાં લૂંટારૂઓ એક બાદ એક કબાટમાં
તોડફોડ કરી તિજોરીમાં મુકેલ ૩૦ હજાર થી વધુની રોકડની લૂંટ કરી હતી. જોકે આટલું પણ
ઓછું પડતા મંડળી બહાર મુકેલ બે બાઈકની પણ તેઓ
ચોરી કરી ગયા હતા. લૂંટારૂઓ ગયા બાદ વોચમેને બુમરાણ કરી સૌને ભેગા કરતા આખો મામલો
પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાની માંડવી પોલીસને જાણ કરવામાં આવતા માંડવી પોલીસ,
બારડોલી ડી.વાય.એસ.પી સહીતના અધિકારીઓ
ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
હાલ સમગ્ર મામલે
સીસીટીવી ફૂટેજ તેમજ ડોગ સ્ક્વોડ અને એફ એસ એલની મદદ મેળવી લૂંટારૂઓનું પગેરું
શોધવા પોલીસ મથામણ કરી રહી છે.