સુરતમાં BJPની ત્રિરંગા યાત્રામાં થયેલ ધમાલ બાદ કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ

0

સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીની રવિવારની ત્રિરંગા યાત્રામાં થયેલા ઘર્ષણ બાદ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો સહિત કાર્યકર્તાઓએ કુમાર કાનાણીના ઘરનો ઘેરાવો કરીને ઘર પર બંગડીઓ ફેંકવાનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા 20 થી વધુ મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરાઇ હતી.

સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રા નીકળી રહી છે. ત્યારે સુરત શહેરમાં પણ અનેક જગ્યાએ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની અધ્યક્ષતામાં પણ ત્રિરંગા યાત્રા નીકળી હતી. જે વરાછામાંથી પસાર થઇ રહી હતી ત્યારે વોર્ડ નંબર 5ના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા અને અન્ય કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો. તે સાથે જ ત્રિરંગા યાત્રામાં ઘર્ષણ સર્જાયું હતું.

આ ઘટના બાદ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર તેમજ અન્ય કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓએ કુમાર કાનાણીના ઘરનો ઘેરાવો કરીને કાનાણીના નામની હાય હાય બોલાવીને ઘાઘરા સાથે બંગડીઓ ફેંકી હતી. જોકે, ત્યાં પોલીસ હાજર હોવાથી 20 મહિલાઓને અટકાયતમાં લઇને કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો માત્ર સવાલો કરવાથી ભાજપની સરકારમાં ધારાસભ્ય જેવા વ્યક્તિઓ ઉશ્કેરાઇ જઇને હુમલો કરતા હોય તો સામાન્ય માણસનું શું થાય. કોંગ્રેસના આવા આક્ષેપો સાથે મહિલા કાર્યકર્તાઓ દ્વારા કુમાર કાનાણીના ઘર બહાર બંગડીઓ ફેંકીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here