સુરત: અનાવલ ગામે શિકારની શોધમાં નીકળેલ કદાવર દીપડો પાંજરે પુરાયો

સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે રહેણાંક વિસ્તારમાં એક કદાવર દીપડો શિકારની શોધમાં આવી અવાર નવાર લોકોને દેખા દેતો હતો. જેને કારણે ખેતરે જતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
ગ્રામજનો દ્વારા મહુવા વન વિભાગને જાણ કરી અનાવલ ખાતે પાંજરૂ મુકવાની રજુઆત કરી હતી જે રજુઆત આધારે મહુવા વન વિભાગ દ્વારા ત્વરિત અનાવલ ગામે નહેર કોલોની ફળિયામાં પાંજરું ગોઠવી રાત્રી દરમ્યાન તેમાં મારણ તરીકે આહાર મૂકતા દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો.
અનાવલ ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાંજરે પુરાયેલ દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી પાંજરે પુરાયેલ દીપડાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી આદરી હતી. જોકે ગ્રામજનો દ્વારા હજી બીજા દિપડા ફરતા હોવાની વાત વન વિભાગને જણાવી પાંજરું અનાવલ ગામે જ મુકવાની રજુઆત પણ કરી હતી.