Connect Gujarat
ગુજરાત

સુરત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાની મદદે

સુરત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાની મદદે
X

  • આજે સુપર સકર મશીન અને જરૂરી યંત્ર સામગ્રી સાથે
  • ૧૫-૧૫ કર્મચારીઓની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમો આવશે
  • શનિવારે સુરત અને અમદાવાદથી ૧00-૧00કર્મચારીઓ સાધન સામગ્રી સાથે સફાઈ સહાયક ટુકડીઓ આવી વડોદરા શહેરને સ્વચ્છ કરવામાં મદદ કરશે.
  • વડોદરા જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરાએ આપી જાણકારી

વડોદરા જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરા અને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લા વહીવટીતંત્ર અને વડોદરા મહાનગરપાલિકાના ફરજરત અધિકારી-કર્મચારીઓને બદામડી બાગ ખાતેની કચેરી ખાતે બેઠકમાં વડોદરામાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્તોને મદદરૂપ થવા જિલ્લા વહીવટીતંત્ર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી સંબંધિત વિગતો-જાણકારી મેળવી ઘટતું કરવા સૂચના આપી હતી.

વડોદરા જિલ્લા વહીવટીતંત્ર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર અસરગ્રસ્તોને પીવાનું પાણી અને દૂધ જેવી પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે વીજ વિભાગ અને બરોડા ડેરી સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.વડોદરા જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરાએ જણાવ્યું કે, વડોદરા શહેરના વિસ્તારોમાં સફાઇ હાથ ધરવા માટે અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાની મદદ મળી છે. ડ્રેનેજ લાઇન અને માર્ગ સફાઇને પ્રાથમિકતા આપી સક્રિય રીતે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સુપર સકર મશીન અને જરૂરી યંત્ર સામગ્રી સાથે ૧૫-૧૫ કર્મચારીઓની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમો આવશે. વડોદરા શહેરને મદદ મળી રહે તે માટે અમદાવાદ અને સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવારે ૧૦૦-૧૦૦ લોકોની સફાઇ સહાયતા ટીમ સફાઇની જરૂરી સાધન સામગ્રી સાથે વડોદરા શહેરમાં આવશે જે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇ અભિયાનમાં જોડાઇને શહેરને સ્વચ્છ કરવામાં મદદરૂપ બનશે. આ ઉપરાંત શહેરના વિવિધ માર્ગો પર દવાના છંટકાવ માટે ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે. વધુમાં આરોગ્ય કેમ્પ યોજીને લોકોના સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરમાં વોર્ડ વાઇઝ પમ્પ્સ ગોઠવવામાં આવ્યા છે. આમ છતાં વડોદરા શહેરના આજવા, કપુરાઇ અને બાપોદ વિસ્તારમાં લો વોલ્ટેજને કારણે લોકોને પાણી માટે મોટર શરૂ કરવામાં તકલીફ હોય તેમની આ સ્થિતિના નિવારણ માટે વીજ વિભાગ સાથે સંકલન કરીને આ વિસ્તારોમાં ઘટતું કરવા સક્રિય થવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં બરોડા ડેરી સાથે સંકલન કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વાહનોની ફાળવણી કરીને દૂધનો જથ્થો પહોંચતો કરવા સૂચના આપવામાં આવી છે. આ કામગીરીમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સહયોગ પૂરો પાડશે. શહેરના આઠ થી દશ વિસ્તારો સિવયા અન્ય તમામ વિસ્તારોમાં દૂધ વિતરણ થયું છે. ત્યારે આ કામગીરીની વિશેષ જરૂર હોય તેવા વિસ્તારોને દૂધ વિતરણ માટે પ્રાથમિકતા આપવામાં આવી છે.

શ્રીમતી અગ્રવાલે વધુમાં કહ્યું કે, વડોદરા મહાનગરપાલિકા પાસે હાલમાં દવાના છંટકાવ માટે ૨,૫૦૦ બેગ્સ દવા ઉપલબ્ધ છે જેથી તે છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ વધુ ૯૦૦ બેગ્સ આવતીકાલે અને ત્યારબાદ ૨,૨૦૦ બેગ્સ એમ કુલ ૩,૧૦૦ બેગ્સ દવાનો જથ્થો ઉપલબ્ધ થશે. શહેરમાં દવા છંટકાવની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. વધુમાં પાણીમાં એબેટનો ઉપયોગ કરી લાર્વા નિવારણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ૪ દિવસોમાં ફોગીંગ મશીન્સની જરૂરિયાત હોય અમદાવાદ અને સુરત મહાનગરપાલિકા પાસેથી મદદ મેળવવામાં આવશે.

શ્રીમતી અગ્રવાલે મહાનગરપાલિકાના પંકજ ઔંધિયા સાથેની ચર્ચા કરતા જણાવ્યું કે, આણંદ સહિતના જિલ્લાઓમાંથી ૧૨ ટીમ અને વન વિભાગની ૩ એમ કુલ ૧૫ ટીમે રેસ્ક્યુ માટે તૈનાત છે, જે માર્ગો પરથી પડી ગયેલા વૃક્ષોને દૂર કરી માર્ગ ખોલવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મગરમચ્છોને રેસ્ક્યુ કરવા પણ અન્ય ટીમ કાર્યરત છે. જેમણે આજે સવારે ચાર મગરમચ્છોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી લોકોને ભયમુક્ત કર્યા હતા. શ્રીમતી અગ્રવાલે નિવાસી અધિક કલેકટર ડી.આર. પટેલ અને પ્રાંત અધિકારીશ્રી ચુડાસમાને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરવખરી તેમજ રોકડ વિતરણની કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.

કલેકટરે ઉમેર્યુ કે, વડોદરા શહેરમાં પૂર આવવાની સ્થિતિમાં આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, નગરજનો, દાતાઓ અને સમાચાર માધ્યમોનો સકારાત્મક અભિગમ અને સહકાર મળ્યો છે, જે વહીવટીતંત્રની કામગીરી માટે વધુ બળ પૂરું પાડે છે. વિકટ સ્થિતિમાં થાક્યા વિના કાર્યરત અધિકારી-કર્મચારીઓએ પણ સક્રિયતા દાખવી છે તે બિરાદાવવા લાયક છે.

Next Story
Share it