Connect Gujarat
ગુજરાત

સુરત : કામરેજ આંગણવાડીમાં રસી મુકાવ્યા બાદ જોડીયા બાળકોના મોત, તંત્રની બેદરકારી સામે પરિવારનો હોબાળો

સુરત : કામરેજ આંગણવાડીમાં રસી મુકાવ્યા બાદ જોડીયા બાળકોના મોત, તંત્રની બેદરકારી સામે પરિવારનો હોબાળો
X

સુરત જિલ્લાના કામરેજ ખાતે ગત રોજ દોઢ માસના બે બાળકોના મોત નિપજ્યાં હતા. આંગણવાડીના નંદ ઘરમાં બાળકોને રસી મુકાવ્યા બાદ બન્ને બાળકોના મોત થયા હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ તંત્રની બેદરકારી સામે હોબાળો મચાવ્યો હતો.

સુરત જિલ્લાના કામરેજ ખાતે તળાવ ફળીયામાં રહેતા માલધારી સમાજના મનોજ ભુવાના ઘરે દોઢ માસ પહેલા જોડિયા બે બાળકોના જન્મ થયા હતા. ગત રોજ આંગણવાડીના બહેન દ્વારા રસી મુકવાની હોવાનું કહેતા મનોજના પત્ની ભાવુબહેન બાળકોને લઈ નંદ ઘરે ગયા હતા. જ્યાં બન્ને બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. જો કે વહેલી સવાર સુધી બાળકો ઊંઘમાંથી નહીં જાગતા તેઓને તાત્કાલિક કામરેજની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ સુરત ખાતે લઈ જવામાં આવતા જ્યાં તબીબે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા.

ફૂલ જેવા કુમળા બે બાળકોના મોત નિપજતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી વર્તાઇ ગઈ છે. જે રીતે કામરેજના દોઢ માસના બે બાળકોએ જીવ ગુમાવ્યો છે, તેમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર માલધારી સમાજ હાલ રોષે ભરાયો છે. બન્ને બાળકોના પીએમ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story