સુરત : ડીંડોલી વિસ્તારમાં કચરાની ગાડીએ યુવાનને અડફેટે લેતા નીપજ્યું મોત

સુરત ડિંડોલી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક બાઈક સવારને અડફેટે લીધો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. કચરાની ગાડીની અડફેટે બાઈક સવારના મોતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પાંચ જેટલી કચરાની ગાડીમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
સુરત મહાનગર પાલિકાની કચરાની ગાડી હોય કે પછી બીઆરટીએસ બસ હોય જેના લીધે અક્સમાતના બનાવોમાં વધારો થઈ રહયો છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડી બાઈક ચાલક માટે કાળ બની છે. મંગળવારે વહેલી સવારે ડોર ટુ ડોર કચરાની ગાડીએ ડીંડોલી વિસ્તારમાં રહેતો મૂળ યુપીનો રહેવાસી 42 વર્ષીય રમેશ સહાનીને અડફેટે લીધો હતો. બાઈક સવાર રમેશનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ. બાઈક સવારના મોતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળતા પાંચ જેટલી કચરાની ગાડીમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. રમેશ સહાની પત્ની, ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે રહેતા હતા, જેઓ ફર્નિચરનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલ આ મામલે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.