સુરત સિવિલમાંથી ચોરીના કેસનો આરોપી પોલીસની આંખમાં ધૂળ નાંખીને ફરાર

સુરતમાં સિવિલ હોસ્પિટલના ઓર્થો વોર્ડમાંથી વહેલી સવારે ચોરીના કેસનો એક આરોપી પોલીસને હાથતાળી આપી ભાગી ગયો હતો. જોકે,પોલીસે ચોરનો પીછો કર્યો હતો પણ પોલીસને ચોરને પકડવામાં સફળતા મળી નહોતી.
સુત્રોના જણાવ્યા મુજબ મંગળવારની મોડી રાત્રિએ વ્યારા પોલીસ ચોકીના કેસનો એક આરોપી અંતુ રૂપજી ગાવિતને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સર્જરીમાં રિફર કરવામાં આવ્યો હતો. ત્યાંથી અંતુને ઓર્થોમાં મોકલવામાં આવ્યો હતો.
વ્યારા પોલીસના જમાદાર, પોલીસ કોન્સટેબલ, હોમગાર્ડ અને જીઆરબીના જવાન અંતુને લઇ પહેલા માળે આવેલા ઓર્થોના વોર્ડમાં ગયા હતા. જ્યાં અંતુ પોલીસની આંખમાં ધૂળ નાંખીને ભાગી ગયો હતો. અંતુને ભાગતા જોઇ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને જીઆરબીના જવાન તેને પકડવા પાછળ દોડ્યા હતા. પરંતુ અંતુ પોલીસના હાથે પકડાયો નહોતો.
સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. ચોધરી જણાવ્યું હતું કે, 28મીએ ચોરીના કેસમાં પકડાયા બાદ અંતુને પોલીસે ફટકાર્યો હોવાનું જણાવી રહ્યો હતો. જેથી તેને જે તે વોર્ડમાં રીફર કરાયો હતો. જોકે, આરોપી ભાગી જવાની ઘટના બાદ થાકીને પરત ફરેલી પોલીસના હોશ ઉડી ગયા હોવાનું દેખાઇ રહ્યું હતું. તાત્કાલિક વ્યારા પોલીસના કર્મીઓએ સિવિલ ચોકીના પોલીસ જવાનોની મદદ લીધી હતી. ત્યારબાદ રેલવે સ્ટેશન પર દોડી જઇ આરોપીને પકડી પાડવા તખ્તો ગોઠવ્યો હતો. સવારે લગભગ છ વાગે બનેલી ઘટનાના બે-ત્રણ કલાક પછી પણ આરોપી ન પકડાતા વ્યારા પોલીસે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.