સુરત : હીરા ઉદ્યોગની વધશે ચમક, સ્પેશિયલ નોટીફાઈડ ઝોનની મળી મંજૂરી

સુરત શહેરમાં હીરા ઉદ્યોગને લઈને એક સારા સમાચાર મળી રહ્યા છે. સુરત ઈન્ટરનેશનલ ડાય ટ્રેડ સેન્ટર ને સ્પેશિયલ નોટીફાઈડ ઝોન તરીકેની પરવાનગી મળી ગઈ છે જેના કારણે હવે ડાયમંડ માઈનીંગ કંપનીઓ સીધુ રફ હીરાનું વેચાણ સુરત ખાતે આવીને કરી શકશે.
આર્થિક મંદી સહિતના કારણોસર સુરતનો હીરા ઉદ્યોગ તેની ચમક ગુમાવી રહયો છે ત્યારે હીરા ઉદ્યોગકારો માટે સરકારે રાહત આપી છે. સુરતમાં આવેલાં ઈન્ટરનેશનલ ડાય ટ્રેડ સેન્ટર ને સ્પેશિયલ નોટીફાઈડ ઝોન તરીકેની પરવાનગી આપવામાં આવી છે. જીજેઈપીસીના રીઝનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ડાયમંડ કટિંગ અને પોલિશ્ડનું હબ ગણાતા સુરતને ડાયમંડ બુર્સ રૂપી ભેટ મળે તે પહેલા જ સરકારે સારા સમાચાર આપ્યા છે. ઈચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા તૈયાર કરાયેલા સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ને સ્પેશિયલ નોટીફાઈડ ઝોન તરીકેની પરવાનગી મળી ગઈ છે. જેના કારણે હવે ડીબિયર્સ, અલરોઝા, રિયો ટીન્ટો જેવી ડાયમંડ માઈનીંગ કંપનીઓ સીધુ રફ હીરાનું વેચાણ સુરત આવીને કરી શકશે. જેનો સીધો લાભ સુરતના 6500 હીરા એકમો પૈકી 70 ટકા નાના હીરા ઉદ્યોગકારોને મળશે.