Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ એક કંપનીમાંથી ઝડપાયું ભૂતિયા પાઈપલાઈન કનેક્શન, નોંધાયી પોલીસ ફરિયાદ

અંકલેશ્વરઃ એક કંપનીમાંથી ઝડપાયું ભૂતિયા પાઈપલાઈન કનેક્શન, નોંધાયી પોલીસ ફરિયાદ
X

ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ ની કામગીરીના અવલોકન બાદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોરના પગલે જીપીસીબી ફરીથી હરકતમાં આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા જીપીસીબીને ઔદ્યોગિક વસાહતોમાં આવેલા ભૂતિયા પાઈપલાઈનને સદંતર બંધ કરાવવા માટેનો આદેશ કર્ચો હતો. જે બાદ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 30 અધિકારીઓની ટીમ કામે લાગી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી અલગ અલગ ટીમો બનાવી ચાલી રહેલી સર્ચ ઓપરેશનની કામગીરીમાં જેમાં જીઆઈડીસીનાં પ્લોટ નંબર સી-1 બી 7118માં આવેલી સેજલ કેમટેક દ્વારા ગેરકાયદે કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરાતો હોવાની વિગતો સામે આવી હતી.

જીપીસીબી, નોટીફાઈડ ઓથોરિટી, જીઆઇડીસી ડ્રેનેજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ભુતિયા કનેક્શન શોધવાની કામગીરીમાં સેજલ કેમ્ટેકનું કનેક્શન ઝડપાયું હતું. જીપીસીબી દ્વારા ગત સાંજે આ ભુતિયા કનેક્શન ઝડપી પાડી કંપની સામે કાર્યવાહી કરવા માટે જીપીસીબીનાં એસ.બી. પરમારે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાબતની તપાસ અરવિંદભાઈ ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કંપનીમાંથી કોડ એફિશિઅન્ટ સ્ટોરેજ વાળું પાણી છોડવામાં આવતું હોવાની વિગતો સામે આવી હતી.

જીપીસીબીનાં અધિકારી આર.બી.ત્રિવેદીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આમ તો માર્ચ મહિનાથી જ ભૂતિયા પાઈપલાઈન કનેક્શન શોધવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં અત્યાર સુધીમાં 8 જેટલાં ભૂતિયા કનેક્શન મળી આવ્યાં છે. છેલ્લું જે તાજેતરમાં જ કનેક્શન મળ્યું તે સેજલ કેમટેકનું હતું. જેમાં કંપની દ્વારા સીઓડીની સ્ટોરેજ ટેન્કમાંથી રોડની સામેની લાઈનમાં પાઈપ લંબાવી પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું. સાથો સાથ કંપની દ્વારા 150 મીટર જેટલું ખોદકામ પણ કરવામાં આવ્યું હતું. જેના પગલે હાલ પુરતું જીઆઈડીસી પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ નોંધાવી છે. ગેમીનાં રિપોર્ટ અને નોટીફાઈડનાં એન્જિનિઅરની મદદ પણ લેવામાં આવી છે. જેમનાં રિપોર્ટ બાદ કંપની સામે જરૂરી પગલાં લેવામાં આવશે.

Next Story