Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ વીજ કંપનીની ઓફિસે યુવાનોનું હલ્લાબોલ, અધિકારીઓ ફરક્યા જ નહીં

અંકલેશ્વરઃ વીજ કંપનીની ઓફિસે યુવાનોનું હલ્લાબોલ, અધિકારીઓ ફરક્યા જ નહીં
X

કઠોદરા, મોટવણ, પીલુદરા અને પારડી ગામનાં યુવાનો મોટી સંખ્યામાં ઉમટ્યા

અંકલેશ્વરનાં ગ્રામીણ વિસ્તારોમાં વીજ કંપની દ્વારા કલાકો સુધી વીજકાપ મુકી દેવાતાં ગામડાનાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે ચાર ગામના યુવાનો ગત રાત્રિએથી અંકલેશ્વર સ્થિત વીજ કંપનીની કચેરી ખાતે આવ્યા હતા. સવારે અધિકારી સાથે વાત કરવા માટે માંગણી કરી હતી પરંતુ ઓફિસનો મેઈન ગેટ અંદરથી બંધ કરી બપોરે 3.30 સુધી કોઈ અધિકારીએ યુવાનો સાથે મુલાકાત ન આપતાં આખરે હલ્લો મચાવ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના કઠોદરા, મોટવણ, પીલુદરા અને પારડી ગામનાં યુવાનો મોટી સંખ્યામાં ગત રાત્રિએથી જ અંકલેશ્વર સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસ ખાતે ધસી આવ્યા હતા. આ યુવાનોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા ગમે ત્યારે વીજ કાપ મૂકી દેવામાં આવે છે. જેના કારણે લોકો ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. 24 કલાક માથી માંડ 7થી 8 કલાક વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતોને મોટું નુકશાન થઈ રહ્યું છે.

કઠોદરાનાં યુવાન રવિ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ ઉપરાંતથી અમારા ગામડાઓમાંથી પસાર થતી લાઈન ઉપર વીજ કંપની દ્વારા કોઈ મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી જ નથી. અને વીજ કંપની થોડો પવન કે વરસાદ આવે આટલે વીજપુરવઠો બંધ કરી દે છે. ઓફિસમાં ફોન કરીએ તો કોઈ જવાબ મળતો નથી. જેથી અમે ગત રાત્રિએથી જ અહીં વીજ કંપનીની ઓફિસે આવ્યા છીએ. અમે અધિકારી સાથે મુલાકાત કરવા માંગીએ છીએ પણ અમને કોઈ જવાબ આપવામાં આવતો નથી.

આંદોલનના મૂડમાં જણાઈ રહેલા યુવાનોનો મૂડ પારખી ગયેલા વીજ કંપનીનાં અધિકારીઓએ યુવાનોને મળવાનું ટાળ્યું હતું. ઉલટાનું વીજ કંપનીના મેઈન ગેટનો દરવાજો અંદરથી બંધ કરી દેવાતાં ગેટ ઉપર જ યુવાનોએ હલ્લાબોલ કરી મુક્યું હતું. કામ ધંધો છોડીને યુવાનો દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે આખો દિવસ બેસી રહ્યા હતા.

Next Story