Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતના ખારેક ફાર્મની મુલાકાત લેતા ટ્યૂનિશિયા ના એમ્બેસેડર

અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતના ખારેક ફાર્મની મુલાકાત લેતા ટ્યૂનિશિયા ના એમ્બેસેડર
X

ગુજરાતના નાના ગામની મુલાકાત કરવાનો અવસર મળ્યો એ ગર્વની વાત છે :એમ્બેસેડર નેજમેડાઈ લખલ

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે ખારેકની ખેતી થકી કૃષિક્ષેત્રે ક્રાંતિ સર્જનાર જયેશભાઇ પટેલના ખેતરની મુલાકાત ટ્યૂનિશિયા ના એમ્બેસેડરે લીધી હતી.અને ખેતીની આધુનિક પદ્ધતિની જાણકારી મેળવી હતી.

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે અંદાજીત 11 એકરમાં ખારેક તેમજ દાડમ ની સફળ ખેતી કરતા જયેશભાઈ પટેલ ગત વર્ષે અંદાજીત 27 ટન જેટલો મબલખ ખારેકનો પાક મેળવીને રાજ્યના અગ્રણી ખેડૂતોમાં નામના મેળવી હતી,અને રાજ્ય સરકાર દ્વારા પણ તેઓને શ્રેષ્ઠ ખેડૂતના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જયેશ પટેલે જણાવ્યુ હતુ કે અંકલેશ્વરના જીતાલીમાં તેઓ પહેલા શેરડીની ખેતી કરતા હતા પરંતુ તેના થી તેઓને સંતોષ ન થતા એક પડકારજનક કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગ કરવાના એક વિચારે તેઓને સફળતા અપાવી હતી,અને આધુનિક ખેત પદ્ધતિના ઉપયોગ થકી તેઓ ખારેક અને દાડમની ખેતીમાં સફળતા મેળવી અન્ય ખેડૂત મિત્રો માટે પણ પ્રેરણા રૂપ બન્યા છે.

જયેશ પટેલના ખેતરમાં હાલમાં 500 થી 550 જેટલા ખારેકના વૃક્ષ છે અને આગામી જુલાઈ માસમાં તેના પર ફળ આવવાની શરૂઆત થશે.

જયારે દિલ્હી ખાતેની એમ્બેસી ઓફ ઘી રિપબ્લિક ટ્યૂનિશિયા ના એમ્બેસેડર નેજમેડાઈ લખલે જણાવ્યુ હતુ કે ભારત સંસ્કૃતિઓ નો દેશ છે,અને વિવિધ ક્ષેત્રે સ્કિલ ધરાવતો દેશ છે, ગુજરાતના અંકલેશ્વર ખાતેના આ એક નાનકડા ગામમાં ખારેક ફાર્મની મુલાકાત લઈને આધુનિક ખેત પદ્ધતિની જાણકારી મેળવી છે,અને ભારત અને ટ્યૂનિશિયા વચ્ચે ઘણી સમાનતા હોવાનું તેઓએ જણાવ્યુ હતુ, વધુમાં તેઓએ આ ટૂંકી પણ યાદગાર મુલાકાત બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી ચીફ ઓફ મિશન,ફર્સ્ટ કાઉન્સેલર ,એમ્બેસી ઓફ ટ્યૂનિશિયા ના બોઉજડારૈયા જમેલ, GSFC એગ્રોટેક લી.ના CEO એસ.કે.મિશ્રા, ચીફ પી.પી.ડોંગા, GGRC ના એમડી સુગુર સહિતના અધિકરીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story