Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ઉમાભવન પાસે ઉભરાતી ગટરના મુદ્દે એનસીપી દ્વારા રસ્તા રોકો આંદોલન છેડાયુ

અંકલેશ્વર ઉમાભવન પાસે ઉભરાતી ગટરના મુદ્દે એનસીપી દ્વારા રસ્તા રોકો આંદોલન છેડાયુ
X

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર રેલવે ફાટક નજીક અને ઉમાભાવનની સામે છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાય રહી છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે સંદર્ભે એનસીપી દ્વારા વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં નહિ આવતા આખરે રસ્તા રોકો આંદોલન કરીને સમસ્યાના નિરાકરણ માટેની માંગ કરી છે.

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 રેલવે ફાટક પાસે છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી રોડ પર ફેલાય રહ્યું છે,અને રોડની બાજુમાં ખાડો પડયો હોવાના કારણે વાહન ચાલકો તેમાં પડતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી, અને વરસાદના કારણે માર્ગ પરથી પસાર થવું વધુ મુશ્કેલ રૂપ બની ગયુ છે, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) દ્વારા આ અંગે રજૂઆતો કરવા છતાં તેનું કોઈજ નિરાકરણ આવ્યુ નથી, તેથી આખરે લોક પ્રશ્નોને વાચા આપવા માટે એનસીપી દ્વારા રસ્તા રોકો આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ હતુ.

ભરૂચ જિલ્લા એનસીપીના પ્રમુખ ડી.સી.સોલંકી, જિલ્લા મહામંત્રી પ્રકાશ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એ રસ્તા રોકો આંદોલનને પગલે વાહનો રોકી દીધા હતા, અને તંત્ર પાસે આ સમસ્યાના નિરાકરણ અર્થેની ઉગ્ર માંગ કરી હતી.

જોકે સવારે ઓફિસ સમય હોય રસ્તા રોકો આંદોલનને પગલે વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાય ગયા હતા, અને મુશ્કેલીનો સામનો પણ કરવો પડયો હતો. અને એનસીપીના કાર્યકર્તાઓ સાથે લોકોની ચકમક પણ સર્જાય હતી.

Next Story