Connect Gujarat
દેશ

અમરનાથ યાત્રા : યાત્રા શુભારંભ થતાં પહેલું ગ્રુપ રવાના, આગામી વર્ષોમાં સુરક્ષાની જરૂર પડશે નહીં : કેન્દ્રિય મંત્રી

અમરનાથ યાત્રા : યાત્રા શુભારંભ થતાં પહેલું ગ્રુપ રવાના, આગામી વર્ષોમાં સુરક્ષાની જરૂર પડશે નહીં : કેન્દ્રિય મંત્રી
X

વર્ષ ૨૦૧૯ની ૧લી જુલાઈથી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભારતભરના અલગ અલગ રાજ્યોમાંથી જિલ્લા દીઠ ૧૦ હજારથી પણ વધુ યાત્રાળુઓ યાત્રા કરશે. બાબા અમરનાથજીની પવિત્ર ગુફા તરફ જતા બે માર્ગ પૈકી પહેલગામ-ચંદનવાડી-બબલટોપવાળો માર્ગ ઘણો લાંબો છે. જ્યાં યાત્રાળુઓની સેવા માટે અમરનાથ યાત્રાના રસ્તે વિવિધ સંસ્થાઓ દ્વારા ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રહેઠાણ અને તબીબી સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહી આવતા યાત્રીઓમાં જો કોઈ બીમાર પડે તો તેને હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા કરવાનું પણ આયોજન છે.

અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનું પહેલું ગ્રુપ કેમ્પ રવાના થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલના સલાહકાર કે.કે.શર્માએ ગ્રુપને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમરનાથ યાત્રાના પહેલા ગ્રુપમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રવાના થયા છે. જમ્મુ-કાશ્મીર વચ્ચેના માર્ગમાં યાત્રિઓ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ઉપરાંત યાત્રાળુ બસની સુરક્ષા માટે જો કોઈ બસ સંવેદનશીલ વિસ્તારમાં અટકી પડે તો તેની જાણ તુરંત જ સિક્યોરીટી ફોર્સીસને થઈ જાય તે માટે તંત્ર દ્વારા દરેક બસને જી.પી.એસ. ટેગિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. અમરનાથ યાત્રા માટે તમામ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે જણાવ્યુ હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યમાં હવે આતંકવાદ ખતમ થવાના આરે છે. આશા છે કે આવનાર વર્ષ ૨૦૨૦માં અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની કોઈ પણ જરૂરિયાત વર્તાય નહીં. સરકારની સુરક્ષા વ્યવસ્થાથી સ્થાનિક નાગરિકોને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ પડી નથી. સ્થાનિક લોકો અને રાજકીય પાર્ટી સહિત ઘણી સામાજિક સંસ્થાઓ શ્રદ્ધાળુઓની અમરનાથ યાત્રામાં સહયોગ આપી રહ્યા છે. ત્યારે હવે ૪૫ દિવસ બાદ એટલે કે ૧૫મી ઓગષ્ટ શ્રાવણ પૂર્ણિમાના દિવસે અમરનાથ યાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે.

Next Story