Connect Gujarat
Featured

અમરેલી : સાવરકુંડલામાં દિવાળીના દિવસે જામે છે ઇંગોરીયા યુધ્ધ, જુઓ શું છે પરંપરા

અમરેલી : સાવરકુંડલામાં દિવાળીના દિવસે જામે છે ઇંગોરીયા યુધ્ધ, જુઓ શું છે પરંપરા
X

સામાન્ય રીતે દિવાળીની ઉજવણી આંગણામાં રંગોળી સજાવીને અને ફટાકડા ફોડીને કરવામાં આવે છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની રાત્રે લોકો એકબીજા પર ઇંગોરીયા ફેંકી પર્વનો આનંદ ઉઠાવતાં હોય છે.

સાવરકુંડલામાં લગભગ સો વર્ષથી દિવાળીની રાતે જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોઈ.શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે.આ રમત રમવા લોકો અમદાવાદ,મુંબઈ,કલકત્તા, રાજકોટ સહિતના શહેરોમાંથી સાવરકુંડલા આવે છે.

સાવરકુંડલા વિસ્તારમા ઇંગોરીયાનો છોડનું ઉત્પાદન થાય છે. જેના ઉપર ચીકુ જેવુ થતુ ફળ તેને ઇંગોરીયુ કહેવાય છે તેને તોડીને સુકવીને તેને ડ્રીલથી હોલ પાડીને ઇંગોરીયામા દારૂખાનુ ભરવામા આવે છે.આ દારૂખાનુ કેવી રીતે તૈયાર થાય છે તેના પર નજર કરીએ તો દેશી કોલસાને ખાંડી ભુક્કો કરાય છે. તેમા ગંધક અને સુરોખાર ભેળવી આ દારૂખાનુ તૈયાર કરવામા આવે છે.આ દારૂખાનુ તૈયાર થયા બાદ તેને આ સુકાયેલા અને ડ્રીલથી હોલ પાડેલા ચીકુના ફળ જેવા દેખાતા ઇંગોરીયાને દારૂખાનુ ભરવામા આવે છે અને તેને ખીલા જેવા સાધનથી ખીચોખીચ ભરવામા આવે છે. આ રીતે તૈયાર થયેલાં ફટાકડાને ઇંગોરીયા કહેવામાં આવે છે. સમયની સાથે ઇંગોરીયાના વૃક્ષો લુપ્ત થઇ રહયાં હોવાથી ઇંગોરીયાના બદલે લોકો હવે કોકડાનો પણ ઉપયોગ કરતાં થયાં છે.

ઈંગોરીયાની રમત છેલ્લા ઘણા દાયકાઓથી સાવરકુંડલામાં રમાય છે.પહેલા ઈંગોરીયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે.સાવરકુંડલા ના યુવાનો ઈંગોરીયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે.આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી.આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં,રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવલાગેઇટ વિસ્તારમાં રમાય છે. ઇંગોરીયું 10 થી 15 રૂપિયાની આસપાસ બજારમાં મળી રહી છે. સાવરકુંડલા વાસીઓએ વર્ષોથી ચાલી આવતી પરંપરાને હજી પણ જીવંત રાખી છે.

Next Story