Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોડાસામાં ગેરકાયદેસર ખનીજ વહન કરતુ ડમ્પર ઝડપાયું, ચાલક કૂદી પડતા બાઈક અને વીજપોલનો ભુક્કો

અરવલ્લી : મોડાસામાં ગેરકાયદેસર ખનીજ વહન કરતુ ડમ્પર ઝડપાયું, ચાલક કૂદી પડતા બાઈક અને વીજપોલનો ભુક્કો
X

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું વહન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, ત્યારે જિલ્લા ખાણખનીજ વિભાગ ખનીજ માફિયાઓને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા રોયલ્ટી પાસ વગર મોટા પ્રમાણમાં ખનીજ વહન થઇ રહ્યું છે. મોડાસા બાયપાસ રોડ પર ખનીજ તંત્રના ચેકિંગમાં એક આઈવા ડમ્પર રોયલ્ટી પાસ વગર ઝડપાતા ડમ્પર ડિટેન કરી ડમ્પરમાં બે સિક્યુરિટી ગાર્ડ સાથે વિભાગની કચેરીએ લઈ જવાતું હતું, ત્યારે ડમ્પર ચાલક ચાલુ વાહને કૂદી પડતા ડમ્પર બેકાબુ થઈ રોડ સાઈડ ઉતરી પડી બાઈકને અડફેટે લઈ વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા ભારે ચકચાર મચી હતી.

અરવલ્લી જિલ્લા ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ માહેશ્વરી અને તેમની ટીમે મોડાસા બાયપાસ રોડ પર ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા ચેકિંગમાં હતા તે દરમ્યાન રોયલ્ટી પાસ વગર ખનીજ ભરી પસાર થતા ડમ્પર નં. GJ 31 T 0569ને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા બે સિક્યુરિટી ગાર્ડ સાથે જિલ્લા સેવાસદન ખાતે આવેલ ખાણખનીજ વિભાગની કચેરી લઈ જવામાં આવી રહી હતી. કાયદેસરની કાર્યવાહીથી ફફડી ઉઠેલા ડમ્પર ચાલકના ડ્રાઈવરે તિરૂપતિરાજ વીલા બંગ્લોઝ પાસે ચાલુ ડમ્પરે કૂદકો મારી નાસી છૂટતા ડમ્પર રોડ પરથી ઉતરી નજીકમાં નિર્માણ થઈ રહેલ કોમ્પ્લેક્ષ પાસે ફંટાયું હતું અને બાઈક તેમજ વીજપોલ સાથે અથડાયું હતું. સદનસીબે ડમ્પર વીજપોલ સાથે અથડાઈ ઉભું રહી જતા ડમ્પરમાં સવાર બે સિક્યુરિટી ગાર્ડનો આબાદ બચાવ થયો હતો.

મોડાસા બાયપાસ રોડ પરથી પસાર થતું ડમ્પર રોડ પરથી ઉતરી જઈ બાઈક અને વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. દોડતા ડમ્પરે કૂદકો મારી ફરાર થઈ ગયેલ ડમ્પર ચાલક સામે લોકોએ રોષ પ્રગટ કરી ભારે ફિટકાર વરસાવી હતી. સમગ્ર બનાવ સંદર્ભે ખાણખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Next Story