Connect Gujarat
ગુજરાત

આંતરરાષ્ટ્રીય સ્તરે આણંદ જિલ્લાનું ગૌરવ વધારતી આણંદની પ્રાચી ભટ્ટ

આંતરરાષ્ટ્રીય સ્તરે આણંદ જિલ્લાનું ગૌરવ વધારતી આણંદની પ્રાચી ભટ્ટ
X

ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિના દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થઇ રહી છે. આ પખવાડિયાનું મુખ્ય હેતુ મહિલાઓને શારિરીક, માનસિક તેમજ આર્થિક રીતે સર્વાંગી વિકાસ થાય તે રીતે ખરા અર્થમાં સશક્ત કરી પગભર કરવાનો છે. જે માટે વિવિધ થીમ આધારીત આ પખવાડીયાની ઉજવણી થઇ રહી છે.

આણંદ જિલ્લાની દિકરી પ્રાચીભટ્ટ કે જેઓએ આણંદ જિલ્લાનું જ નહી પરંતુ ગુજરાત રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી મહિલા સશ્કતિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. તાજેતરમાં આણંદ જિલ્લાની દિકરી પ્રાચી ભટ્ટે(ઉ.વ.૧૯) એન.સી.સી.ના માધ્યમથી વિયેતનામ ખાતે યોજાયેલ YEP(Youth Exchange Programme)માં ભારતનું પ્રતિનિધત્વ કર્યુ. જ્યાં બંને દેશના એન.સી.સી. કેડેટસે એક બીજાની સંસ્કૃતિનું આદાન પ્રદાન કર્યુ હતું.

કહેવાય છે કે દેશનું યુવાધન એ આવતા કાલના ભારત નિર્માણની પાયાની ઇમારત છે એમા પણ ભારત જ સમગ્ર વિશ્વ માં એક માત્ર એવો દેશ છે જ્યાં સૌથી વધુ યુવાનો છે અને ભારત દેશ તેના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ગુણવત્તાસભર ઉપયોગ કરી રહ્યા છે. આ યુવાનોમાં રાષ્ટ્રીયતા , હિંમત, શિસ્ત અને નેતૃત્વના ગુણો અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોની ખીલવણી કરવા માટે એન.સી.સી. નું નિર્માણ કરવામાં આવ્યુ છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="105911,105912,105913,105914,105915,105916"]

એન.સી.સી.માં ફક્ત છોકરાઓ જ નહીં પરંતુ છોકરીઓ પણ તાલીમ લઇ સજ્જ થાય છે તેમજ રાષ્ટ્રની સેવા માટેની તાલીમ લે છે. એન.સી.સી. તાલીમની સાથે સાથે યુવાધનમાં રહેલી પ્રતિભાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની તક આપે છે. પછી તે હીમા દાસ હોય કે લજ્જા બેન ગોસ્વામી આવા ઘણા એન.સી.સી. કેડેટ્સ છે જેઓએ એન.સી.સી.ની તાલીમથી પોતાની પ્રતિભા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે.

આણંદ શહેરની પ્રાચી ભટ્ટ જેઓએ જુનિયર વીંગ તેમજ સિનીયર વિંગ બંને વખત એન.સી.સી.માં જોડાયા ત્યાં તાલીમ લીધી તેમજ દર વર્ષે દિલ્હી ખાતે યોજાનાર RDC કેમ્પમાં ભાગ લઇ પોતાની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કર્યુ. તેમજ ૨૬મી જાન્યુઆરીએ યોજાનારી રેલીમાં પણ ભાગ લીધો છે. તેમજ શ્રેષ્ઠ કેડેટ તરીકે પણ પસંદગી પામ્યા.

ત્યારબાદ વિયેતનામ ખાતે યોજાયેલ ૧૦ દિવસના YEP(youth Exchange Programme) માં જોડાવવા તેઓને તક મળી અને લાંબી પસંદગી પ્રક્રિયા બાદ તેઓની પસંદગી આ કેમ્પ માટે થઇ જે સમગ્ર ગુજરાતની એક માત્ર મહિલા કેડેટ હતી કે જેઓની આ કેમ્પમાં પસંદગી થઇ હોય. આમ આણંદની દિકરી પ્રાંચી ભટ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધત્વ આ કેમ્પ(પ્રોગ્રામ) માં કર્યુ.

આ કેમ્પ(પ્રોગ્રામ) ના અનુભવો વિશે પ્રાચી ભટ્ટે જણાવ્યુ હતુ કે આ કેમ્પ(પ્રોગ્રામ)માં દેશમાંથી શ્રેષ્ઠ કેડ્ટસ પસંદગી પામીને આવતા હોય છે આપણા દેશમાંથી કુલ ૧૩ કેડેટ્સ આ કેમ્પ(પ્રોગ્રામ) માટે પસંદગી પામ્યા હતા જેમાં ૬ મહિલા કેડેટ અને ૭પુરૂષ કેડેટ હતા. આ કેમ્પ(પ્રોગ્રામ)માં એક બીજાની સંસ્કૃતિ એક બીજાના દેશની રીત-ભાત નું આદાનપ્રદાન કરતા હોય છે. તેમજ પોતાના દેશની સંસ્કૃતિ તેમજ વારસા વિષે અન્ય દેશના કેડેટ્સને માહિતગાર કરવા હેતુ આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પ દરમિયાન કેમ્પમાં પહેલી વખત વિયેતનામમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઇ હતી જે આપણા દેશ માટે ગૌરવસભર વાત હતી. આ કેમ્પ કરીને આવ્યા બાદ પ્રાંચી ભટ્ટને રાજ્યપાલ દ્વારા પણ મેડલ થી પણ સન્માનિત કરવામાં આવી છે.

પ્રાચી ભટ્ટે અન્ય વિધાર્થીનીઓ માટે સંદેશો આપતા કહ્યુ હતુ કે વિધાર્થીકાળમાં દરેક વિધાર્થીનીએ એન.સી.સી.માં અચૂક જોડાવવું જોઇએ. એન.સી.સી. ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ કરે છે. તેમજ તમારા અંદર શિસ્તનું, દેશદાઝનું સિંચન કરે છે. એન.સી.સી. તમારા અંદર રહેલી પ્રતિભાને આગળ લાવવા માટે એક માધ્યમ પુરુ પાડે છે. તેમજ તમને તમારા ગામ, તમારા રાજ્ય અને તમારા દેશને દુનિયા સમક્ષ મુકવા પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપે છે. એન.સી.સી. દ્વારા દિકરીઓ સક્ષમ અને સશક્ત બને છે.માટે વધુમાં વધુ વિધાર્થીનીઓ એન.સી.સી. માં જોડાય તેવી હું અપિલ કરૂ છું. તેમજ અમારી ૪ ગુજરાત બટાલીયન એન.સી.સી. ના C.O(Commanding Officer) કર્નલ રાજેશ યાદવ તેમજ અહીંના સ્ટાફ કે જેઓએ ડગલે ને પગલે મને પ્રોત્સાહન આપ્યુ અને તેમના સહયોગથી જ હું આ ખ્યાતિ મેળવી શકી છું માટે તેઓનો હું સહ્યદયપુર્વક આભાર વ્યક્ત કરુ છુ.

Next Story