Connect Gujarat
દેશ

આજથી ૧૭મી લોકસભાના પ્રથમ સત્રનો કરાયો પ્રારંભ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાંસદોને લેવડાવ્યા શપથ

આજથી ૧૭મી લોકસભાના પ્રથમ સત્રનો કરાયો પ્રારંભ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાંસદોને લેવડાવ્યા શપથ
X

આજથી પ્રારંભ થતી ૧૭મી લોકસભાના પહેલાં સત્રમાં સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથસિંહ,ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાની, ડો. જીતેન્દ્રસિંહ સહિત સાંસદોએ સાંસદ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદદ્વારા સૌપ્રથમ શપથ લેવામાં આવ્યા હતા. બે દિવસમાં તમામ પ૪ર સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમાર આવતીકાલે પણ નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવશે. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીરેન્દ્ર કુમારને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. વિરેન્દ્ર કુમાર મધ્યપ્રદેશના ટિકમગઢથી સાંસદ છે.હવે ૧૯ જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે ત્યારબાદ ૨૦ જૂને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરવામાં આવશે. આ દિવસથી જ રાજ્યસભાના સત્રની પણ શરૂઆત થશે. સંસદનું આ સત્ર ૨૬ જુલાઈ સુધી ચાલશે. ૫ જુલાઈએ પહેલી વખત મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.

સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, લોકતંત્રમાં વિપક્ષનું સશક્ત હોવું ઘણું જ જરૂરી છે. તેમનો દરેક શબ્દ મૂલ્યવાન છે, તેઓ લોકસભામાં પોતાના નંબરોની ચિંતા છોડી દે. આશા છે કે તમામ પક્ષ ગૃહમાં ઉત્તમ ચર્ચા કરશે. ચૂંટણી બાદ આજે લોકસભાની રચના સાથે પ્રથમ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વિરોધ પક્ષો તેમના સંખ્યાબળની ચિંતા કર્યા વગર લોકોના પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવે. તેમણે જણાવ્યું હતું કે તર્ક સાથે સરકારની આલોચના કરવાથી લોકતંત્રને તાકાત મળે છે. વિપક્ષો માટે અમારી લાગણી મૂલ્યવાન છે. સંસદમાં આપણે શાસક પક્ષ-વિપક્ષ જેવી બાબતોને છોડી નિષ્પક્ષ કામ કરીએ.

મોદી સરકારની સંસદીય પરીક્ષાનો પણ આજથી પ્રારંભ થશે. ર૦ જૂનથી જ રાજ્યસભાના સત્રની પણ શરૂઆત થવાની છે. આ સત્રમાં ટ્રિપલ તલાક સહિતના કેટલાંક અગત્યનાં બિલ રજૂ કરવામાં આવશે. ઉપરાંત ગત સરકારના કાર્યકાળમાં લાગુ પાડવામાં આવેલા ૧૦ વટહુકમને રદ્દ કરીને તેમના સ્થાને વિધેયક પસાર કરાવવું પડશે. ગત લોકસભાની સાથે રદ થઈ ગયેલાં ૪૬ વિધેયકને પણ જરૂરી ફેરફાર સાથે પસાર કરવામાં આવશે, જોકે આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ જ સરકારની સ્થિતિ સ્પષ્ટ થશે.

સત્ર દરમિયાન ૩૦ બેઠક નિર્ધારિત કરવામાં આવી છે. આ સત્રમાં ટ્રિપલ તલાક ઉપરાંત જમ્મુ-કાશ્મીર આરક્ષણ વિધેયક પણ લાવવામાં આવશે. ૪ જુલાઈના રોજ નાણાં મંત્રાલયનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. આ સત્રમાં જે અગત્યનાં બિલ રજૂ થવાનાં છે તેમાં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન વિધેયક-ર૦૧૯, આધાર અને અન્ય કાયદા વિધેયક, મુસ્લિમ મહિલા અથવા ટ્રિપલ તલાક વિધેયક, જમ્મુ-કાશ્મીર અનામત વિધેયક, આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી કેન્દ્ર વિધેયકનો પણ સમાવેશ થાય તેમ છે.

વડાપ્રાધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદ વચ્ચે એકબીજા પ્રત્યે સંપ રાખવાની ભાવના જળવાઈ રહે તે માટે ર૦ જૂને એક અગત્યની બેઠકનું આયોજન કર્યું છે. પરંતુ હાલ સુધી લોકસભામાં કોંગ્રેસના નેતાનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. ૧૬મી લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરનારા વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે આ વખતે ચૂંટણી હારી ગયા છે, લોકતંત્રમાં વિપક્ષનું સશક્ત હોવું અનિવાર્ય શરત છે. જ્યારે ગૃહમાં ખુરશી પર એમપી તરીકે બેસીએ તો પક્ષ વિપક્ષ કરતા પણ વધારે નિષ્પક્ષનું મહત્વ હોય છે. પક્ષ વિપક્ષથી વધારે નિષ્પક્ષ થઈને ગૃહની ગરિમાને ઉઠાવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.

Next Story