Connect Gujarat
ગુજરાત

આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો વાપીની રોફેલ કૉલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ

આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો વાપીની રોફેલ કૉલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ
X

વલસાડ જિલ્લાના વાપી ખાતેની રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે શિક્ષણ વિભાગ પ્રેરિત મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે રાજ્ય સરકારની રોજગારલક્ષી વ્યવસ્થામાં ભાગીદાર બનવા બદલ રોફેલ કોલેજ પરિવારને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આજે શાળા કોલેજામાં ભણતરનું પ્રમાણ વધ્યું છે ત્યારે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા રાજ્ય સરકાર દ્વારા રોજગારી આપવાના હેતુસર યોજાઇ રહેલા કેમ્પનો સૌને લાભ લેવા અનુરોધ કર્યો હતો. વિવિધ કૌશલ્યવર્ધન કેન્દ્ર ખાતે ટેકનીકલ તાલીમ આપી પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેના થકી કોઇપણ કંપનીમાં નોકરી મેળવી શકે છે.

ગ્રામ્ય કારીગર માટે ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ તાલુકા કક્ષાએ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વિસ્તારમાં જ સ્વરોજગારી મેળવવાની સાથે ગામના અન્ય લોકોને પણ રોજગારી આપી રહયા છે. ગ્રેજ્યુએટ ઉમેદવારોને રોજગારી મળે તે માટે પણ વિશેષ આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. નોકરી મેળવ્યા બાદ પોતાનું શ્રેષ્ઠતમ કૌશલ્ય દાખવી પોતાનું સ્થાન ફિકસ કરી લેવા જણાવ્યું હતું. ટાઇમ મેનેજમેન્ટ કરી તેનો સદુપયોગ કરવા અને મોબાઇલના વળગણથી દૂર રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.

વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સૌને રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઓને એકસાથે ભેગા કરી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દરેક કંપનીઓમાં એપ્રેન્સટીસ ભરતી કરવાની સાથે શિક્ષણની સાથે રોજગારી મળે અને જેને કામ જાઇએ તેને કામ પૂરું પાડવાના હેતુસર વિશેષ કેમ્પ યોજે છે.

શિક્ષણ વિભાગ અધિક કમિશનર એસ.કે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે મેગા કેમ્પ યોજી રોજગારી આપવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે.

ઝોનલ ઓફિસર એસ.આર.જાષીએ જણાવ્યું હતું કે, પ્લેસમેન્ટ કેમ્પ દરમિયાન ઇન્ટરવ્યૂ આપવા માટેની તાલીમ અને અનુભવ મળે છે, જે ધ્યાને લઇ તમામ રોજગારવાંચ્છુઓ કેમ્પનો લાભ લે તે જરૂરી છે.

કોલેજના આચાર્યા હેમાલબેન દેસાઇએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતાં જણાવ્યું હતું કે, આ કેમ્પ માટે ૧૩૦૦ કરતાં વધુ રજિસ્ટ્રેશન કરાયા છે, જેમને રોજગારી આપવા માટે ૮૦ જેટલી કંપનીઓ હાજર રહેનાર છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં રોજગારીની તકો દર્શાવતી માહિતી પુસ્તિકાનું મંત્રીના હસ્તે વિમોચન કરાયું હતું. રોજગારી મેળવનારને નોકરીનો હુકમ મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા.

આ અવસરે ટ્રસ્ટી મંડળના સુભાષભાઇ પાંચાલ, ભરતભાઇ, વિવિધ શાળા, કોલેજ, આઇ.ટી.આઇના આચાર્યો, રોજગારવાંચ્છુઓ હાજર રહયા હતા.

Next Story