Connect Gujarat
ગુજરાત

આવતી કાલે ઉજવાશે જીવના શિવ સાથે મિલનનો પર્વ : મહાશિવરાત્રી

આવતી કાલે ઉજવાશે જીવના શિવ સાથે મિલનનો પર્વ : મહાશિવરાત્રી
X

૪થી માર્ચ સોમવારના રોજ પવિત્ર પર્વ મહાશિવરાત્રીનો અનેરો અવસર ઉજવાશે

મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.

SHIVRATRI

શિવભકતોમાં અદકેરૂ મહાત્‍મય ધરાવતું મહાશિવરાત્રીનું રહસ્‍ય જોઇએ તો કહેવાય છે કે ભગવાન વિષ્‍ણુ અને બ્રહ્મા વષા શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્‍ધ થતા તે યુધ્‍ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્ની મહાલીંગ તરીકે ત્‍યાં સ્‍થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્‍ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્‍યા.પરંતુ લીંગનો તાગ મળ્‍યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્‍યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્‍યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.

આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નીસ્‍તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્‍ય બોલેલા તે મુખ કાપી નાંખ્‍યું. ત્‍યારે ભગવાન બ્રહ્મા અને વિષ્‍ણુએ શિવજીનું પુજન કર્યુ. બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.

Shivratri

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્‍વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્‍ય, સંયમ, સાત્‍વીકતાના તારક છે. દૈત્‍ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્‍વામી અને ભકતોના ઉપકારક છે.

મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્‍મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્‍યની સાથે ઐશ્વર્ય પણ આપે છે.જન્‍મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્‍યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્‍મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ.

Next Story