Connect Gujarat
દુનિયા

ઇન્ટરનેશનલ વિડો ડેઃ આજે પણ ઘણી વિધવા અપમાન અને લાચારી સહે છે

ઇન્ટરનેશનલ વિડો ડેઃ આજે પણ ઘણી વિધવા અપમાન અને લાચારી સહે છે
X

યુનાઇટેડ નેશન્સે 23 જૂનને ઇન્ટરનેશનલ વિડો ડે તરીકે જાહેર કર્યો છે. દુનિયાના ઘણાં દેશોમાં પતિના મૃત્યુ થયા બાદ મહિલાઓ આર્થિક ભીંસમાં જીવતા સામાજીક અન્યાયનો સામનો કરી રહી છે.

ભારતની જ વાત કરીએ તો અહીં કુંટુંબની ભાવનાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. પરંતુ મહિલાઓની સ્વતંત્રતા અંગે તેમની અપેક્ષાઓ કે તેમના સ્થાનને મહત્વ અપાતુ નથી. ખાસ કરીને જો તે સ્ત્રી વિધવા હોય.

પતિના મૃત્યુ બાદ સ્ત્રીનું જાણે કોઇ જ મહત્વ રહેતુ નથી. તેને ડગલે ને પગલે અપમાનનો સામનો કરવો પડે છે. આર્થિક રીતે કોઇના પર નિર્ભર રહેવું પડે છે. ઘણીવાર કુટુંબના લોકોને મન તે એક બોજો બની જાય છે.

તેમાંય જો પતિનું મોત લગ્ન પછી તરત જ થયું હોય તો સ્ત્રીને જ જવાબદાર ગણવામાં આવે છે. સ્ત્રીના ખરાબ પગલાંને કારણે તેના પતિનું મોત થયું છે તેવો આરોપ લગાવી તેને અપશુકનિયાળ માનવામાં આવે છે.

0e8a0698-c4e0-457b-b01e-85963f9c515b

વિધવા થયા બાદ તે ચાંદલો લગાવી શકતી નથી, બંગડીઓ પહેરી શકતી નથી. સ્ત્રીને સૌથી પ્રિય તેવો શણગાર તેને હંમેશને માટે ત્યજી દેવો પડે છે. ઘણાં સમાજોમાં લગ્ન જેવા શુભ પ્રસંગે વિધવાઓને બોલાવવામાં પણ નથી આવતી.

વિધવાને પુત્ર હોય તો સંપત્તિમાંથી ભાગ મળે છે નહિતર તેને પતિની સંપત્તિમાંથી ભાગ પણ આપવામાં આવતો નથી. ઘણાં લોકો વિધવા સામે મળી જાય તો તેને અપશુકન માને છે. લાચારી અને અપમાન સિવાય તેના ભાગ્યમાં કંઇ જ હોતું નથી. પોતાના બાળકોના ભરણપોષણ માટે પણ તેણે કેટલું સહન કરવુ પડે છે તેનું અનુમાન પણ ન લગાવી શકાય.

એ કેટલી હદે યોગ્ય છે કે પતિને ગુમાવનારી સ્ત્રીને સહારો આપવાના બદલે તેને ડગલેને પગલે અપમાનિત કરવામાં આવે. જે ગુનો તેણે કર્યો જ નથી તેની સજા આપવામાં આવે?

કોઇ વિધવાના જીવનમાં ડોકિયું કરવાથી અંદાજ આવી શકે છે પુરુષ પ્રધાન સમાજમાં પુરુષની છત્રછાયા વિના સ્ત્રીની શું કિંમત છે!

જોકે, હવે પરિસ્થિતી બદલાઇ રહી છે. ઘણાં સમાજમાં વિધવાઓના પુર્નલગ્ન થાય છે. પરંતુ એ આંકડો ઘણો નાનો છે.

Next Story