Connect Gujarat
દેશ

ઈદના દિવસે પણ કાશ્મીરમાં હિંસક પ્રદર્શનો : ૧નું મોત, જેમાં ૪૦થી વધુને ઈજા

ઈદના દિવસે પણ કાશ્મીરમાં હિંસક પ્રદર્શનો : ૧નું મોત, જેમાં ૪૦થી વધુને ઈજા
X

લોકોએ સુરક્ષા દળો પર ભારે પથ્થરમારો કર્યો હતો અને ભારત વિરોધી નારા લગાવ્યા

પોલીસ અને સીઆરપીએફ દ્વારા ભીડને વિખેરવા માટે ટીયરગેસના ગોળા છોડવામાં આવ્યા હતા

ઈદના પવિત્ર દિવસે પણ કાશ્મીરમાં ભારે હિંસક પ્રદર્શનો થયા હતા જેમાં ૪૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત હિંસક પ્રદર્શનમાં અનંતનાગમાં રહેનારા એક યુવકનું મોત થયું હતું અને ત્યારથી દક્ષિણ કાશ્મીરમાં વાતાવરણ તંગ બની ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવક અનંતનાગના હિંસક પ્રદર્શન દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું.

ઈદની નમાજ બાદ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા અને શોપિયાં જિલ્લામાં ભારે હિંસક પ્રદર્શન થયા હતા. ત્યારબાદ શ્રીનગરના ડાઉન ટાઉન સ્થિત તમામ ભાગમાં હિંસાની ઘટનાઓ બની હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રીનગરના નોહટ્ટા, સફાકદલ અને ખાન્યાર વિસ્તારોમાં હિંસક પ્રદર્શનની ઘટનાઓ બની હતી. અહીં લોકોએ સુરક્ષા દળો પર ભારે પથ્થરમારો કર્યો હતો અને ભારત વિરોધી નારા લગાવ્યા હતા. શ્રીનગરમાં થયેલા હિંસક પ્રદર્શનોમાં પાકિસ્તાની ધ્વજ પણ ફરકાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ અને સીઆરપીએફ દ્વારા ભીડને વિખેરવા માટે ટીયરગેસના ગોળા છોડવામાં આવ્યા હતા

શ્રીનગરમાં થયેલા હિંસક પ્રદર્શનોમાં પાકિસ્તાની ધ્વજ પણ ફરકાવવામાં આવ્યા હતા

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પણ ઈદની નમાજ બાદ હિંસક પ્રદર્શનો થયા હતા. આ પ્રદર્શનો દરમિયાન અનંતનાગના બરાકપોરા વિસ્તારમાં એક યુવકનું મોત થયું હતું. હિંસક ઘટના દરમિયાન એક ગ્રેનેડ બ્લાસ્ટમાં યુવક ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર યુવનું નામ શિરાજ અહેમદ હતું. અનંતનાગમાં હિંસક પ્રદર્શન દરમિયાન ૧૦ સુરક્ષા જવાનો સહિત કુલ ૨૨લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Next Story